Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પોલીસ બંને આરોપીઓને ભાગેડું જાહેર કરી શકે છે

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ : ફરાર બંને આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા માટે ટૂંક સમયમાં કોર્ટનો સંપર્ક કરીશું: પોલીસ

વડોદરા,તા.૨૭ : વડોદરામાં ૨૪ વર્ષની લો સ્ટુડન્ટ પર દુષ્કર્મ કેસના બંને આરોપીને ટૂંક સમયમાં જ ભાગેડુ જાહેર કરી શકાય છે. પોલીસે તેમને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જેથી પોલીસને બંને આરોપીઓની સંપત્તિને ટાંચમાં લેવાની કાર્યવાહીમાં મદદ મળશે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, અમે તેમને ભાગેડુ જાહેર કરવા માટે ટૂંક સમયમાં કોર્ટનો સંપર્ક કરીશું. એકવાર તેઓ ભાગેડુ જાહેર થઈ જાય તો અમે તેમની મિલકતો ટાંચમાં લઈ શકીશું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને રાજુ ભટ્ટની શોધખોળ કરવા માટે ઘણી ટીમો બનાવી છે, જેના પર ૧૯ સપ્ટેમ્બરે કોલેજિયન યુવતી પર બળાત્કાર કરવા બદલ કેસ નોંધાયો હતો. એસીપી (ક્રાઈમ)ડી એસ ચૌહાણે જણાવ્યું હતું કે અમે તેમને ટૂંક સમયમાં તેમને પકડવાની આશા રાખીએ છીએ.

પોલીસે કહ્યું કે બંનેમાંથી કોઈ પણ દેશ છોડીને ભાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમની સામે એફઆઈઆર નોંધાયા બાદ જૈન અને ભટ્ટ બંને ફરાર છે. જેથી આ કેસ પોલીસ પાસેથી આંચકીને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે આરોપીઓને પકડવા માટે તેમના સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરી રહી છે.

પોલીસે કહ્યું કે તેઓ અલ્પેશ વાધવાની ઉર્ફે અલ્પુ સિંધીની મિલકતોને ટાંચમાં લેવાની કરવાની કાર્યવાહી કરશે જે સંબંધિત કેસમાં ફરાર છે. અલ્પેશ એ યુવતીનો મિત્ર છે જેણે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે કેટલાક મહિનાઓ પહેલા ઇન્ટર્નશિપ માટે જૈનની સીએ ફર્મમાં જોડાઈ હતી. બાદમાં અશોક જૈન અને રાજુ ભટ્ટે તેના પર દુષ્કર્મ આચર્યા બાદ અને તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.

(9:32 pm IST)