Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના પણ મોંઘુદાટ બનતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

જો મેઘરાજા વિરામ લે તો ભાવમાં રાહત મળે :આગામી બે મહિના સુધી ભાવ ઘટે તેવી શક્યતા ઓછી

અમદાવાદ : મોંઘવરીએ મઝા મૂકી છે પેટ્રોલ-ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે અને તેને કારણે અન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે..રાંધણ ગેસના વધતા ભાવે ગૃહિણીઓની ફિકર પહેલાથી જ વધારી દીધી છે.. તેવામાં હવે શાકભાજીના વધી રહેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે, આમાં કેમ ઘર ચલાવવું ?

શાકભાજીના ભાવમાં બમ્પર ઉછાળાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.શાકભાજીના ભાવમાં 50 ટકાથી 60 ટકા વધારો થતા ગૃહિણીઓ હવે પહેલા કરતા ઓછી શાકભાજી ખરીદે છે.પાકને નુકસાન થતા ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી છે.

શાકભાજીના પહેલા અને અત્યારના ભાવની હોલસેલ માર્કેટમાં સરખામણી કરીએ તો,જે કોથમીર પહેલા 20 રૂપિયામાં મળતી હતી, તે હવે 50 રૂપિયે કિલો મળે છે, જે રીંગણ 10-15 રૂપિયે કિલો મળતા હતા તે હવે 20-25 રૂપિયે કિલો મળે છે.આવી જ રીતે હાલ દૂધી 20-25 રૂપિયે કિલો, ગિલોળા 75થી 90 રૂપિયે કિલો, ફુલાવર 25થી 30 રૂપિયે કિલો, કોબીજ 12થી 15 રૂપિયે કિલો, વટાણા 120થી 140 રૂપિયે કિલો અને તુવેર 80થી 90 રૂપિયે કિલો મળે છે આ તમામ ભાવ હોલસેલ માર્કેટના છે, એટલે કે રિટેઇલ માર્કેટમાં શાકભાજી આ ભાવ કરતા પણ મોંઘુ મળે છે.

શાકભાજીના ભાવમાં વધતા ગ્રાફ અંગે વેપારીઓનું કહેવું છે કે, જો મેઘરાજા વિરામ લે તો ભાવ ઘટે.આ ઉપરાંત આગામી બે મહિના સુધી ભાવ ઘટે તેવી શક્યતા ઓછી હોવાના વેપારીઓ એંધાણ આપી રહ્યા છે.શાકભાજીની નવી આવક 2-3 મહિના પછી આવશે અને ભાવ ચોક્કસથી ઘટશે, તેવી હોલસેલ માર્કેટની આગાહી કેટલી સાચી પડશે અને ક્યારે ગૃહિણીઓને રાહત મળશે, તે તો સમય જ બતાવશે.પરંતુ, હાલ તો શાકભાજીના ભાવ ગરીબ અને મધ્યમ વર્ગને રડાવી રહ્યા છે.

(10:59 pm IST)