Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વિધાનસભાના પ્રથમ સત્રમાં જ ગૃહમાં ગૃહમંત્રી ઘેરાયા હોવાનો ઘાટ સર્જાયો

કોંગ્રેસની ગૃહમાં સરકારને ઘેરવાની રાજનીતિ બીજી તરફ સરકારમાં જ સંકલનનો અભાવ: ગૃહમાં પૂર્વ સી એમ , ડેપ્યુટી સી એમ, પૂર્વ ગૃહમંત્રીને વિપક્ષે જ આવકાર્યા

ગાંધીનગર : છેલ્લા 5 વર્ષથી રૂપાણી સરકાર અને તેમના મંત્રીઓનો વિધાનસભામાં દબદબો હતો. સમય સાથે ગુજરાતમાં ભાજપે સત્તાના ચહેરાઓ બદલ્યા. જેમાં મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં સોમવારે પ્રથમ વિધાનસભા સત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જો કે પ્રશ્નોત્તરી કાળમાં જ વિપક્ષ આજે સરકાર પર હાવી રહી.

વિપક્ષ પોતાની રણનીતિ સાથે સરકારને પહેલા મગફળીના ટેકાના ભાવ મુદ્દે ઘેર્યા, ત્યારબાદ તાઉતે રાહત ફંડ મામલે પણ વિપક્ષે સરકારને ઘેર્યા. જો કે હેરોઈનનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો. ગૃહમાં વિધાનસભા સત્રની કાર્યવાહી દરમ્યાન મગફળીના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વિરજી ઠુમ્મર દ્વારા મુન્દ્રામાં પકડાયેલા હેરોઈનનો મુદ્દો પોલીસની કામગીરી પર સીધો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ સરકારની મીઠી નજર હેઠળ જ હેરોઈન ગુજરાતમાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો.

જો કે સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ગૃહમાં આક્રમક જવાબ આપતા કહ્યું ગુજરાત પોલીસે 72 કલાકમાં ઓપરેશન પૂરું કર્યું. વિપક્ષને આક્ષેપ કરતા શરમ આવવી જોઈએ. કોંગ્રેસ પોલીસનું મોરલ ડાઉન કરે છે આ વાક્યની સાથે જ વિપક્ષે ગૃહમાં હોબાળો શરૂ કરી દીધો. ગલીમાં ભાષણ કરતા હોય એવી રીતે ગૃહમંત્રી વાત કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો, સાથે જ હર્ષ સંઘવી ‘હાય હાય’ના નારા લગાવ્યા.

જો કે કોંગ્રેસની આક્રમકતા કરતા આજે સરકારના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ તથા mlaની નિષ્ક્રિયતા સ્પષ્ટ પણે આંખે ઉડીને વળગે એવી હતી. વિપક્ષ દ્વારા જ્યારે ગૃહમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરાયો, ત્યારે ના સરકારના સિનિયર મંત્રીઓ બચાવમાં આવ્યા, ના પૂર્વ મંત્રીઓ અને ના ધારાસભ્ય. નવનિયુક્ત અધ્યક્ષ દ્વારા ગૃહમંત્રી નવા મંત્રી હોવાનો હોબાળો ના કરવાની કોંગ્રેસને સૂચન કરાયું. જો કે હર્ષ સંઘવી વિરુદ્ધ સુત્રોચાર થોડા સમય ચાલુ જ રહ્યા.

જો કે થોડા સમય બાદ મામલો શાંત પડ્યો, પરંતુ પહેલીવાર વિધાનસભાના ગૃહ પર સરકાર તરફથી મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું. તેમજ સરકારના 2 અલગ અલગ ફાંટા પણ જોવા મળ્યા. જ્યાં ગૃહમાં પૂર્વ સી એમ , ડેપ્યુટી સી એમ, પૂર્વ ગૃહમંત્રીને વિપક્ષે જ આવકાર્યા, વિપક્ષ જ્યારે સરકારના ગૃહમંત્રીને ઘેરી રહી હતી, ત્યારે સરકારના મંત્રીઓએ મૌન સેવી લીધું. એક તરફ કોંગ્રેસની ગૃહમાં સરકારને ઘેરવાની રાજનીતિ તો બીજી તરફ સરકારમાં જ સંકલન ના અભાવ ના કારણે પ્રથમ સત્રમાં જ ગૃહમાં ગૃહમંત્રી ઘેરાયા હોવાનો ઘાટ સર્જાયો હતો.

(11:58 pm IST)