Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોરોનામાં મુત્યુ પામેલા નાગરિકોના પરિવારને ચાર લાખનું વળતર તથા ડેથ સર્ટીફીકેટમાં કોરોનાનો ઉલ્લેખ કરવા માંગ

કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઇમરાન ખેડાવાલા વિરોધ પ્રદર્શિત કરતા એપ્રન પહેરીને વિધાનસભામાં પ્રવેશ કર્યો

 

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનો આજથી બે દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થયો છે. આજના પ્રથમ દિવસે કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઇમરાન ખેડાવાલા કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય તેમજ ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ કરવાનો રાજ્ય સરકાર સુધારો કરે તેવી માગણીને લઇને વિરોધ પ્રદર્શિત કરતા એપ્રન પહેરીને વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના પ્રારંભ પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોરોનાના મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મીડિયા સાથેની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે કોરોના દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને પણ ભાજપ સરકાર ચાર લાખ રૂપિયાની સહાય કરે તેવી માંગ કરી હતી.

વધુમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અને તેના આંકડા છુપાવવા માટે સરકારે જાણીજોઈને દર્દીના મૃત્યુ માટે અપાતા ડેથ સર્ટીફીકેટ ઉપર કોરોનાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ત્યારે રાજ્ય સરકાર હજુ પણ આ અંગે કોઈ નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રજાના હિત માટે ન્યાયની લડત કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

જયારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના વોરિયર્સના મૃત્યુ માટે 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હોવા છતાં પણ આજદિન સુધી મોટાભાગના સરકારના કોરોના વોરિયર્સ સહાયથી વંચિત રહ્યા હોવાનો દાવો કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના વળતર અને ન્યાય માટે કોંગ્રેસ આક્રમક બનીને લડત આપશે અને જરૂર જણાય ન્યાયાલયની મદદ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું

(12:08 am IST)