Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લિડિંગ ટુરીઝમ કેટેગરીમાં નર્મદા જિલ્લા પ્રસાશનને દ્વિતીય એવોર્ડ એનાયત કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિ. ધ્વારા તાજેતરમાં ગત તા. ૨૫ મી સપ્ટેમ્બર,૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની  ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્ષેલન્સ એવોર્ડ-૨૦૨૧ અંતર્ગત નર્મદા જિલ્લાની પસંદગી Leading Tourism initiative by District Collector(Government) કેટેગરીમાં રનર-અપ તરીકે જાહેર કરી  એવોર્ડ-ટ્રોફી  તેમજ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે, જે ખરેખર નર્મદા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની બાબત છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રસન્ન ક્ષમતા ધરાવતા પ્રવાસન સ્થળોથી ભરપૂર છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર, કરજણ ડેમ, ઝરવાણી ધોધ, નીનાઈ ધોધ, સગાઈ, માલ સામોટ, કુનબાર, ગોરા- શૂલપાણેશ્વર મહાદેવ મંદિર, પોઈચા-નીલકંઠ ધામ, હરસિધ્ધિમાતાજી મંદિર, ભાદરવા દેવ ભાથીજી મહારાજ મંદિર, દેવમોગરા માતાજી મંદિર, અને વિસાલખાડી ઈકો ટુરિઝમ સાઈટ વગેરે જેવા અનેકવિધ પર્યટન સ્થળો જોવા માટે આવતા હોય છે.
અત્રે એ નોંધનીય છે કે, TCGL (ગુજરાત પ્રવાસન નિગમ લિ.) ગાંધીનગર દ્રારા ૫ જેટલા જિલ્લાઓ શોર્ટ લીસ્ટેડ થયા, એમાં નર્મદા જિલ્લો પણ સમાવિષ્ટ હતો અને જ્યારે આખરી પસંદગી કરી ત્યારે એમાં પણ નર્મદા જિલ્લાને રનર-અપ જાહેર કરવામાં આવેલ. આ એવોર્ડ માટે સિલેકશન જ્યુરી હતી તેમજ ૨૬ જેટલી વિવિધ કેટેગરીમાં ૫૦૦ થી પણ વધારે નોમીનેશન થયેલ હતા.

(12:18 am IST)