Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નવરાત્રિ વધામણા

તિથિના સંયોગ વચ્‍ચે આ વર્ષે ૮ દિવસની જ નવરાત્રિ

આદ્યશકિતની આરાધના, પુજા-મહાઆરતીને લઇને મંદિરોમાં અત્‍યારથી શરૂ થયેલી તડામાર તૈયારી : ૭ ઓકટોબરે ઘટસ્‍થાન, ચોથના ક્ષયને લીધે એક દિવસ ઓછો, ૧૩મીએ આઠમની રંગેચંગે ઉજવણી

Alternative text - include a link to the PDF!

નવી દિલ્‍હી,તા. ૨૮: આદ્યશકિતની આરાધના પર્વ એવા નવરાત્રી સંદર્ભે રાજ્‍ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરવાની સાથે જ ખેલૈયા, શેરી -સોસાયટીના ગરબા આયોજકોમાં સળવળાટ જોવા મળ્‍યો છે. છેલ્લા બે મહિનાથી દોઢિયા દાંડિયારાસની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ કોમર્શિયલ આયોજનોને મંજૂરી ન મળતા નિરાશ થયા છે. બીજી બાજુ ઇનામોની બૌછાર સાથે શેરી અને સોસાયટી ગરબાની રોનક બરકારર રહેશે એવો મત અપાઇ રહ્યો છે. એવામાં ખેલૈયાઓ માટે કોરોના માર્ગદર્શિકાની સાથે જ બીજા એક નિરાશાજનક સમાચાર છે કે આ વર્ષે ૮ દિવસની જ નવરાત્રી રહેશે. તિથિના સંયોગ વચ્‍ચે આ વર્ષે ચોથનો ક્ષય હોય નવરાત્રિમાં એક દિવસ ઓછો છે.
આદ્યશકિત આરાધના, પૂજા, આરતીને લઇને આદ્યશકિતના મંદિરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દરમિયાન આગામી ૭ ઓકટોબરથી ૧૪ ઓકટોબર સુધી નવરાત્રિ પર્વની ઉજવણીને લઇને મંદિરોમાં પણ ધાર્મિક આયોજનોની ભરમાર જોવા મળશે. સુરત શહેરના જ પૌરાણિક મંદિરોમાં ઘટસ્‍થાપનથી માંડીને મોટી આઠમની ઉજવણીને લઇને આયોજનો શરૂ કરાયા છે.
જેમાં આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે ૯ ઓકટોબર શનિવારે ઉજવાશે. મહારાજ કિરીટદત્ત શુકલાએ જણાવ્‍યું હતુ કે ગુરૂવારે ૯ ઓકટોબરના રોજ આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રીની શરૂઆત થશે. ઘટસ્‍થાપન, દીપસ્‍થાપન, કળશ સ્‍થાપના મુહૂર્ત માટે સુર્ય ઉદય પ્રમાણે શુભ ચોઘડિયુ સવારે ૬:૩૧ થી ૮ વાગ્‍યા સુધીનું છે.
ગુરૂવારે ચલ ચોઘડિયુ સવારે ૧૦:૫૭ થી ૧૨:૨૬ સુધીનું, લાભ ચોઘડિયું ૧૨:૨૬ થી ૧:૫૫ સુધીનું અમૃત ચોઘડિયુ બપોરે ૧:૫૫ થી ૩:૨૪ વાગ્‍યા સુધીનું છે. જ્‍યારે ૧૩ ઓકટોબરના રોજ બુધવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્‍ટમી, હવન પુજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસની નવરાત્રી પર્વ હોય છે. પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય છે. શનિવારે ૯ ઓકટોબરે સવારે ૭:૪૮ વાગ્‍યા સુધી જ ત્રીજ છે. અને પછી ચોથ બેસી જાય છે. એટલે વિનાયક ચોઠ શનિવારે જ કરવાની રહેશે. ૧૨ ઓકટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે અને તે રાત્રિએ ૯:૪૯ વાગ્‍યે પુરી થવાની સાથે જ આઠમ શરૂ થાય છે. બુધવારે ૧૩ ઓકટોબર રાત્રિએ ૮:૦૮ વાગ્‍યા સુધી આઠમ સાથે મહાષ્‍ટમી, હવનાષ્‍ટમીની ઉજવણી થઇ શકશે.

ચિત્રા નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ, ૧૫ ઓકટોબરે દશેરા

જ્‍યોતિષના જણાવ્‍યા મુજબ, ૭ ઓકટોબર ચિત્રા નક્ષત્ર, વૈઘૃતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્‍યા રાશિમાં નવરાત્રી પર્વની શરૂઆત થશે. ગુરૂવારે ચિત્રા નક્ષત્ર રાત્રીએ ૯:૧૩ વાગ્‍યા સુધી છે. જ્‍યારે વૈઘૃતિ યોગ મોડી રાત્રીએ ૧:૪૦ વાગ્‍યા સુધી છે. આઠ દિવસ બાદ ૧૪ ઓકટોબરે મહાનવમી સાથે જ શારદીય નવરાત્રીની સમાપ્‍તિ થશે. જ્‍યારે ૧૫ ઓકટોબરે આસો સુદ દશમ નિમિતે વિજયાદશમી પર્વ ઉજવાશે. શ્રવણ નક્ષત્ર, શુલ યોગ, વણિજકરણમાં દશેરા પર્વની ઉજવણી કરાશે. દરમિયાન અષા,શષા વાહનનું પૂજન કરાશે. તે માટે વિજય મુહૂર્ત બપોરે ૨:૩૦ થી ૩:૧૭ વાગ્‍યા સુધીનું છે. ત્‍યારબાદ ૨૦ ઓકટોબરે શરદપૂર્ણિમા, વ્રતની પૂનમની ઉજવણી કરાશે.

 

(10:27 am IST)