Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ : કૃષિ મંત્રી

ધ્રોલ,તા.૨૮ : ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ ૦૧ ઓકટોબર ૨૦૨૧થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ  મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ પૂરક પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં પ્રતિ કિવન્ટલ રૂ. ૫,૨૭૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫,૫૫૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦માં ૫,૦૦,૫૪૬ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૨,૫૯૧ મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ ૭,૦૩,૧૩૭ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે.

 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું. 

યાર્ડમાં આવક બંધ

આગામી દિવસોમાં વાવાઝાડા સાથે અતી ભારે વરસાદની આગાહી હોય, તમામ જણસીની આવક બંધ કરવામાં આવેલ છે. તેમજ ખુલ્લામાં તથા પ્લેટફોર્મમાં લાંબા સમયથી પડતર પડેલ પોતાનો માલ વેપારીઓએ દુકાન/ ગોડાઉનમાં સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવે છે. આમ છતા જો કોઈ વેપારીનો માલ પ્લેટફોર્મ કે ખુલ્લામાં રાખેલ હશે તો માલની બગડવાની જવાબદારી માર્કેટીંગ યાર્ડની રહેશે નહી જેની નોંધ લેશો.

(1:03 pm IST)