Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાઈકલોનિક સરકયુલેશન ૩૦મીએ કચ્છ પહોંચશે ત્યારે વધુ મજબૂત બને તેવી શકયતા

આજે પણ રાજયના અનેક ભાગોમાં વરસાદની આગાહીના પગલે ૬ જિલ્લાઓમાં ઓરેન્જ અને ૨૦માં યલો એલર્ટ જાહેર

અમદાવાદઃ રાજયમાં જામેલા પાછોતરા વરસાદના કારણે લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં રાજયના ૪૭ તાલુકાઓમાં વરસાદ થયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં યલો તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુલાબ વાવાઝોડાની અસર બાદ સાઈકલોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, જે કચ્છ પાસે ફરી મજબૂત બને તેવા સંજોગો ઉભા થાય હોવાનું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા  છે

ગુજરાત તરફ આગળ વધી રહેલું સાઈકલોનિક સર્ક્યુલેશન કચ્છ પાસે પહોંચીને ૩૦મીએ વધુ મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે રાજ્યમાં આજે તથા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. રાજ્યના ૨૦ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જ્યારે ૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, મહેસાણા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આ સાથે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, નવસારી, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા સહિત જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે.

આજે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

(1:04 pm IST)