Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુજરાતમાં તા. ૧ માર્ચથી વસ્તી ગણતરી

વર્ષ ૨૦૧૧ની ગણતરી વખતે ૬ કરોડ વસ્તી નોંધાયેલ, આ વખતે ૭ કરોડને પાર કરી જવાની ધારણા : મોબાઇલ એપ.થી ગણતરી થશે : શિક્ષકોને ગણતરી કાર્ય સાથે જોડાશે : કોરોનાના કારણે ગણતરી કાર્યક્રમને બ્રેક લાગેલ

રાજકોટ તા. ૨૮ : ભારત સરકારના કાર્યક્રમ અનુસાર ગુજરાતમાં તા. ૧ માર્ચ ૨૦૨૨થી જનગણના કાર્યક્રમ પ્રારંભ થશે. તે પૂર્વે ગણતરી સાથે જોડાયેલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. મુખ્યત્વે શિક્ષકોને ગણતરી કાર્યમાં જોડવામાં આવશે. સમયને અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખાસ મોબાઇલ એપ દ્વારા ગણતરી કરવામાં આવશે. પરંપરાગત ગણતરી પધ્ધતિનો વિકલ્પ પણ ખૂલ્લો રહે તેવી શકયતા છે. સઘળો સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે.

ગુજરાતમાં છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી થયેલ દર ૧૦ વર્ષે ગણતરી કરવાની હોય છે. વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાના કારણે ગણતરી થઇ શકેલ નહિ. હવે કોરોનાની પરિસ્થિતિ મહદઅંશે થાળે પડતા સરકારે આવતી તા. ૧ માર્ચથી વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. તે પૂર્વે ગણતરીકારો માટે તાલીમ કાર્યક્રમ ચાલશે. જ્યારથી વસ્તી ગણતરી શરૂ થાય ત્યારથી ૯ મહિના સુધી ચાલશે. સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઇને વસ્તીની માહિતી મેળવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ની ગણતરી વખતે ગુજરાતની વસ્તી ૫.૬ કરોડ જેટલી અને ૨૦૧૧ની ગણતરી વખતે ૬ કરોડ જેટલી નોંધાયેલ. હવે નવી ગણતરીમાં આ આંકડો ૭ કરોડે પહોંચે તેવું અનુમાન છે.

(3:34 pm IST)