Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોરોના કેસ આવતા લાંબા સમય બાદ સુરતમાં 408 લોકો કન્‍ટેઇનમેન્‍ટ થઇ ગયાઃ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત બંને એપાર્ટમેન્‍ટ બહાર ગોઠવી દેવાયો

અઠવા-રાંદેર મળીને 26 કન્‍ટેઇનમેન્‍ટ ઝોન જાહેરઃ 14 દિવસ ઘરની બહાર નહીં નીકળી શકાય

સુરત: શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ એક જ એપાર્ટમેન્ટમાં કેસ મળતા હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને પાલ વિસ્તારના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં પણ 9 કેસ આવતા બંન્ને એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા સીલ કરી દેવાયા છે. એપાર્ટમેન્ટ સીલ થતા 408 લોકો કન્ટેઇનમેન્ટ થઇ ગયા છે. લાંબા સમય બાદ સુરતનો કોઇ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયો છે. પોલીસનો કડક બંદોબસ્ત આ બંન્ને એપાર્ટમેન્ટ બહાર મુકી દેવાયો છે.

અઠવાલાઇન્સ ઝોનનાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ 9 કેસ મળતા એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ દંપત્તી ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા જ્યાંથી સંક્રમિત થયા હતા. જેનો ચેપ વોચમેનને અને ત્યાર બાદ વોચમેન થકી 6 અન્ય લોકોને પણ ચેપ લાગ્યો હતો. જેના પગલે પાલિકાએ અઠવા-રાંદેર મળીને કુલ 26 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે મેઘમયુર એપાર્ટમેન્ટના 168 રહીશો 14 દિવસ માટે ઘરની બહાર નિકળી શકશે નહી.

રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષના 3 બાળકો સહિત કુલ 9 લોકો કોરોના પોઝિટિવ એક અઠવાડીયા દરમિયાન આવ્યા છે. જેના કારણે આ એપાર્ટમેન્ટને નિયંત્રિત ઝોન જાહેર કરીને  સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લેટમાં રહેતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરીને જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેવા લોકોને તત્કાલ રસી બાકી હોય તો આપી દેવામાં આવી છે. પોઝિટિવ આવેલા લોકો ગણેશોત્સવ પ્રસંગે યોજાયેલા જમણવામાં ગયા હતા અને પોઝિટિવ થયા હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

પાલ-પાલનપુરમાં અગાઉ સામે આવેલા ત્રણ કેસ અને અઠવાના ચાર કેસની હિસ્ટ્રી ગણેશોત્સવ અને પર્યૂષણ પર્વમાં મળી આવી છે. જેના પગલે પાલિકા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, જે લોકો આ પ્રકારે મેળાવડાઓ કરી રહ્યા છે તેમના માટે આ મોટી સમસ્યા છે. 

(4:33 pm IST)