Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોરોનામાં વૃદ્ધ લોકોની સહાય -મૃત્યુ આંક અને બિન અનામત આયોગ મુદ્દે શાસક અને વિપક્ષ સામસામે

પ્રશ્નોનો ઉત્તર મંત્રીઓએ લંબાણપૂર્વક આપતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઇ ઉઠયા

ગાંધીનગર : કોરોનામાં વૃદ્ધ લોકોની સહાય અને મૃત્યુ આંક તેમજ બિન અનામત આયોગના વિધાનસભામાં રજૂ થયેલા પ્રશ્નોની વચ્ચે કોંગ્રેસ અને ભાજપ આક્રમક બન્યા હતા આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોનો ઉત્તર મંત્રીઓએ લંબાણપૂર્વક આપતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઇ ઉઠયા હતા.

ગુજરાત વિધાનસભામાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ બિન અનામત આયોગની રકમ ફાળવવા અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેનો જવાબ સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે લંબાણપૂર્વક ઉત્તર આપ્યો હતો. જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યો અકળાયા હતા. તે જ રીતે આયોગના પ્રશ્ન અંગે કોંગ્રેસના ધારાસભ્યે ભાજપ પર પ્રહાર કર્યો હતો કે પાટીદાર સમાજના 14 લોકો શહીદ થયા પછી આયોગની રચના થઈ છે. તેમના આ નિવેદનથી ભાજપના સભ્યો અકળાઇ ઉઠયા હતા.

દરમિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે એવી કોમેન્ટ કરી હતી કે આ મુદ્દામાં તો આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડયું છે. આ નિવેદનથી ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ ઉશ્કેરાયા હતા અને પ્રતાપ દુધાતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો કે તમારી કેટલી ઉંમર થઈ અને હજુ વધુ વિપક્ષમાં તમારે બેસવાનું છે તે ભૂલશો નહીં. અનામતનો મુદ્દો જતો રહ્યો છે ત્યારે અમને શીખવાડવાની તમારે કોઈ જરૂરત નથી તેવું નિવેદન કરતા બન્ને પક્ષે હોબાળો મચ્યો હતો.

આ તબક્કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પોતાનો ઉત્તર આગળ ધપાવવા જતાં હતા ત્યારે અધવચ્ચે જ કોંગ્રેસના સભ્યોએ રોક્યા હતા અને કહ્યું હતું કે હવે તમે બેસી જાવ કારણ કે તમે લંબાણપૂર્વક જવાબ આપી દીધો છે તેવી કોમેન્ટ કરતા ગૃહમાં હાસ્ય રેલાયું હતું.

(7:52 pm IST)