Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વળગણ ઊતારવા માટે સંબંધ બાંધવા પિતાનું પુત્રી પર દબાણ

પિતા-પુત્રીના સબંધોને લજવતો અમદાવાદનો કિસ્સો : પુત્રીએ જાણ કરતા માતાએ પોલીસમાં જેઠ તેની સાથે અડપલાં કરતા, સાસરિયા ત્રાસ આપતા હોવાની ફરિયાદ

અમદાવાદ, તા.૨૮ : બાપ-દિકરીના સંબંધોને લાંછન લગાવતો વધુ એક શરમજનક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. લંપટ બાદ પોતાની જ સગીર દીકરી સાથે ખરાબ વર્તન કરતો હતો. બાપ તેની દીકરીને વળગણ હોવાનું કહીને તેને સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જે અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો પ્રમાણે વર્ષ ૧૭ વર્ષની છોકરીને તેનો બાપ કહેતો હતો કે, મેં એક જગ્યાએ જોવડાવ્યું છે કે તને તારા માતાના ગામનું વળગણ વળગ્યું છે અને તેને ઉતારવા માટે તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે.. તેમ કહેતા, છોકરીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તેણે આ અંગે પોતાની માતાને વાત કરતા તેને પણ ભારે આંચકો લાગ્યો હતો.

પોતાની દીકરીના બચાવમાં જ્યારે માતાએ પતિ સાથે વાત કરીને તેને આ પ્રકારના નિમ્ન વિચારો રાખવા બદલ ઠપકો આપ્યો તો પતિ સામો થયો હતો. દીકરી સાથે ખરાબ વ્યવહાર કરવા બદલ માતાએ પતિને ખખડાવ્યો તો તેણે દીકરીની સામે જ પત્નીને માર માર્યો હતો. આ પછી જ્યારે માતાએ તેની દીકરીની પિતા તરફથી અભદ્ર માગણી અંગે પૃચ્છા કરી તો તેણે જણાવ્યું કે, તેનો બાપ જ્યારે તે એકલી હોય ત્યારે તેની સાથે અડપલા કરતો હતો.

આ સિવાય જ્યારે માતા ઘરે એકલી હોય અને પતિ ના હોય તો તેનો જેઠ તેની સાથે અડપલા કરતો હતો. જે અંગે તેણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો. મહિલાએ ઉપર જણાવેલી ઘટનાઓ અંગે પોલીસને ફરિયાદમાં જણાવી છે, તેણે કૃષ્ણનગર પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ દીકરી સાથે સંબંધ બાંધવાની માગણી કરી છે.

જ્યારે જેઠ દ્વારા તેના પર નજર બગાડીને પતિ ઘરે ના હોય ત્યારે અડપલા કરવામાં આવતા હતા. આ સિવાય પરિણીતાએ પોતાની ફરિયાદમાં નણંદનું પણ ત્રાસ આપવા મામલે નામ લખાવ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ સહિત સાસરિયા સાથે નાની-નાની બાબતમાં ઝઘડા થતા હતા, નણંદ પરિણીતાને ઘરનું કામ કરવા માટે દબાણ કરતી અને મોડું થાય તો તેને નણંદ માર મારતી હોવાનું પણ પરિણીતાએ જણાવ્યું છે.

પતિ સહિત સાસરિયાના ત્રાસ અને દીકરી પાસે પિતાએ કરેલી અભદ્ર માગણીને લઈને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ, જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરુ કરી છે.

(9:07 pm IST)