Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં વિધાનસભાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ : શિક્ષણમંત્રી જીતેન્દ્રસિંહ વાઘાણી

વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી : ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી:વિપક્ષના નેતા અને સૌ સભ્યો તથા શાસક પક્ષના સભ્યોના અપ્રતિમ સહયોગના પરિણામે ચારેય વિધાયકો સર્વાનુમતે પસાર

ગાંધીનગર :રાજ્યના શિક્ષણ મંત્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું છે. મુખ્યમંત્રીના સાલસ સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વના પરિણામે વિપક્ષના નેતા સહિત સૌ સભ્યોના અપ્રતિમ સહયોગના પરિણામે બે દિવસનું સત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું છે. તે બદલ મુખ્યમંત્રીનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે.
મંત્રી વાઘાણીએ કહ્યું કે, બે દિવસના આ સત્રમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો, યોજનાકીય કામગીરી માટે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં પણ વિપક્ષ-શાસક પક્ષના સૌ સભ્યો સમગ્ર કામગીરીમાં ખૂબ જ નિષ્પક્ષ રીતે સહભાગી થયા હતા.
તેમણે ઉમેર્યું કે ગૃહમાં રજૂ થયેલા ચાર સરકારી વિધેયકોમાં પણ વિપક્ષ સહિત સૌ સભ્યોએ ખુલ્લા મને ચર્ચા કરીને તમામ બિલો સર્વાનુમતે પસાર કરાયા છે, એ પણ એક ઐતિહાસિક ઘટના બની છે.
મંત્રીએ બે દિવસીય વિધાનસભા સત્રની વિગતો આપતા કહ્યુ હતું કે, આ ચાલુ સત્રમાં કુલ ચાર વિધેયક વિના વિરોધે, સર્વાનુમતે પસાર કરાયા હતા. જેમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ૨૦૨૧ તથા ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૧; શ્રમ અને રોજગાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ ‘‘કૌશલ્યા’’ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક ૨૦૨૧, જ્યારે શિક્ષણ વિભાગનું  ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) ૨૦૨૧ને સર્વાનુમતે વિના વિરોધે પસાર કરીને વિધાનસભા ગૃહમાં પક્ષ અને વિપક્ષે ગુજરાતની પ્રજાના હિતમાં નવી હકારાત્મક પહેલ કરી છે તેમ, મંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું હતું કે, વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વૃક્ષારોપણનું મહત્વ દર્શાવતો છેલ્લા દિવસનો પ્રસ્તાવ ધારાસભ્ય જીગ્નેશકુમાર સેવકે રજૂ કર્યો હતો. જેમાં વિવિધ ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લઇને પોતાના વિચારો રજૂ કર્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ગુજરાતમાં વૃક્ષારોપણ થકી  ઓક્સિજનનું સ્તર વધારવા, વૃક્ષારોપણનું મહત્વ અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વિવિધ વનીકરણની પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી.
તેમણે ઉમેર્યું કે સમગ્ર સત્ર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કૃષિમંત્રીઆર.સી. ફળદુ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત સૌ સિનિયર મંત્રીઓના માર્ગદર્શન થકી કામગીરી સુચારુ રીતે સંપન્ન થઈ છે.
સત્રના સફળ સંચાલન માટે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, શૈલેષભાઇ પરમાર, અમીતભાઈ ચાવડા સહિત વિપક્ષના સૌ સભ્યો, સંસદીય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, દંડક પંકજભાઇ દેસાઇ સહિત શાસક પક્ષના સભ્યોએ જે સહયોગ આપ્યો એ બદલ સૌ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે

(10:27 pm IST)