Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દિકરાએ જવાબદારી નહિ નિભાવતા 84 વર્ષની માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા

કળયુગના દિકરા ઘરડા મા-બાપની જવાબદારીમાંથી ભાગી રહયા છે.: અમદાવાદના કૃષ્ણનગરનો દિલ દ્રવી ઉઠે એવો કિસ્સો

અમદાવાદ :  આજના કળયુગના દિકરા ઘરડા મા-બાપની જવાબદારીમાંથી ભાગી રહયા છે. આવો જ એક કિસ્સો કૃષ્ણનગર વિસ્તારમા સામે આવ્યો. દિકરાએ જવાબદારી નહિ નિભાવતા માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. અસારવામાં રહેતા 84 વર્ષીય વૃદ્ધા 2014 પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેમના બંને પુત્રો ભરણ પોષણ અને દવાદારૂનો ખર્ચ ઉઠાવતા હતા. પણ વર્ષ 2014 બાદ વૃદ્ધાનો નાનો પુત્ર પત્ની અને સંતાન સાથે હીરાવાડી રહેવા જતો રહ્યો હતો. જેથી વૃદ્ધાનો મોટો પુત્ર દવાદારૂનો ખર્ચ અને ભરણ પોષણનો ખર્ચ ઉઠાવતો હતો. નાનો પુત્ર સારું કમાતો હોવા છતાંય કોઈ ખર્ચ ઉઠાવતો નહિ જેથી વૃદ્ધાએ દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ન્યાયની માંગ કરી છે. એટલું જ નહીં આ ઘરડા જીવનું કહેવું છે કે દીકરાએ બેંકમાંથી મૂડી પણ ઉપાડી લીધી છે.

પુત્રને લઈને વૃદ્ધ માતાએ સીટી ડેપ્યુટી કલેકટરને ભરણ પોષણ અંગે કરેલી અપીલની અસર થઈ હતી અને પુત્રએ માતાને દર મહિને પાંચ હજાર અને દવાનો ખર્ચ આપવા હુકમ કરાયો હતો. પરંતુ નાના પુત્રએ તેની સદંતર અવગણના કરતાં વૃદ્ધાએ હુકમની નકલ સાથે પોલીસની મદદ લીધી હતી. પોલીસે આવા પુત્રે પાઠ ભણાવવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(12:51 am IST)