Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

શું ફરી એકવાર ગુજરાતના જંગલોમાં દોડતા જોવા મળશે ચિત્તા?

બન્ની ગ્રાસલેન્‍ડની પસંદગી : ગુજરાત સરકાર મંત્રાલય સમક્ષ પ્રસ્‍તાવ મૂકશે કે ચિત્તાને અહીં પણ પુનઃસ્‍થાપિત કરવામાં આવે : ગુજરાતમાં લગભગ ૮૦ વર્ષ પહેલા ચિત્તા વિલુપ્ત થઈ ગયા હતાઃ વર્ષ ૧૯૪૦માં પ્રભાસ પાટણમાં ચિત્તા જોવા મળયા હતા

અમદાવાદ, તા.૨૭: તાજેતરમાં જ નામિબિયાથી ૮ ચિત્તા ભારત લાવવામાં આવ્‍યા છે, અને યોજના અનુસાર જો આ ચિત્તા મધ્‍ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં સેટ થઈ જશે તો શક્‍ય છે કે ગુજરાતના જંગલોમાં પણ ચિત્તા દોડતા થઈ શકે છે. રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્‍યો છે કે તે કેન્‍દ્ર સરકારને એક સત્તાવાર વિનંતી કરશે અને ચિત્તાને અહીં ફરી એકવાર લાવવાની માંગ કરવામાં આવશે. ચિત્તા માટે કહેવાય છે કે પ્રાણીઓમાં સૌથી વધારે ઝડપથી દોડવાની ક્ષમતા ચિત્તાની હોય છે. ગુજરાતમાં લગભગ ૮૦ વર્ષ પહેલા ચિત્તા વિલુપ્ત થઈ ગયા હતા. વર્ષ ૧૯૪૦માં પ્રભાસ પાટણમાં ચિત્તા જોવા મળયા હતા.

આ સમગ્ર બાબતના જાણકાર સૂત્રોએ જણાવ્‍યું કે, ચિત્તાને ગુજરાત લાવવા માટે આતુર છીએ કારણકે તેનાથી ટૂરિઝમમાં નોંધપાત્ર વધારો થશે અને સ્‍થાનિક ઈકો-સિસ્‍ટમને પણ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્ર સરકાર પણ ચિત્તાને મધ્‍યપ્રદેશ સિવાય અન્‍ય રાજયોમાં મોકલવાની યોજના બનાવી ચૂકી છે. ઉંચાઈ વાળા સ્‍થળો, દરિયાકિનારા તેમજ નોર્થઈસ્‍ટના વિસ્‍તારો સિવાય દેશના મોટાભાગના સ્‍થળોએ ચિત્તા માટે અનુકૂળ વાતાવરણ હોય છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૨ દરમિયાન મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્‍થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં લગભગ ૧૦ સ્‍થળોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. શિકારનું પ્રમાણ, અન્‍ય પ્રાણીઓની સંખ્‍યા અને વાતાવરણને ધ્‍યાનમાં રાખીને કૂનો નેશનલ પાર્ક શ્રેષ્ઠ વિકલ્‍પ જણાયો હતો. આ સર્વે વાઈલ્‍ડલાઈફ ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ ઈન્‍ડિયા અને વાઈલ્‍ડલાઈફ ટ્રસ્‍ટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કરવામાં આવ્‍યો હતો. સરકારના એક સૂત્ર જણાવે છે કે, ગુજરાતની વાત કરીએ તો કચ્‍છમાં આવેલ બન્ની ગ્રાસલેન્‍ડની પસંદગી કરવામાં આવી હતી. રાજય સરકાર ટૂંક જ સમયમાં એક ફોર્મલ લેટર મિનિસ્‍ટ્રી ઓફ ફોરેસ્‍ટ એન્‍ડ એન્‍વાયર્નમેન્‍ટ એન્‍ડ ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગને મોકલશે.

MoEFCCના એક ઉચ્‍ચ અધિકારીએ પણ પૃષ્ટિ કરી કે યોજનામાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે, જો અમને રાજય તરફથી પ્રસ્‍તાવ મળશે તો અમે આ બાબતે નિર્ણય લઈશું. કૂનો પાલપુર પ્રોજેક્‍ટની સફળતા પર તે નિર્ણય આધારિત છે. જો એક ચિત્તાનું સંવર્ધન પણ સફળતાપૂર્વક થશે તો અમે તેમને અન્‍ય સ્‍થળોએ મોકલવાના વિચાર પર ધ્‍યાન આપીશું. ગુજરાતની વાત કરીએ તો ૧૯૪૦માં અંતિમ ચિત્તાનો શિકાર કરવામાં આવ્‍યો હતો. તે ચિત્તો ૪ ફૂટ અને ૩ ઈંચ ઉંચો હતો અને ૬ ફૂટ અને ૯ ઈંચ લાંબો હતો.

અધિકારીએ જણાવ્‍યું કે, કૂનો પાલપુરમાં અત્‍યારે ૨૧ ચિત્તાના સંરક્ષણની ક્ષમતા છે. જો અભયારણ્‍યમાં ચિત્તાની વસતી વધશે અને અમને અન્‍ય રાજયો તરફથી પ્રસ્‍તાવ આવશે તો અમે તેમને આગળનો આદેશ આપીશું. આટલુ જ નહીં, મધ્‍યપ્રદેશના નૌરાદેહી અને ગાંધીસાગરમાં પુનઃસ્‍થાપનની પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં બન્ની સાઈટ સૌથી સુરક્ષિત અને યોગ્‍ય સ્‍થળ છે. ત્‍યાં ૨૦-૩૦ ચિત્તા રહી શકે છે. જો રાજય સરકાર માની જાય તો આફ્રિકાથી ૧૦ ચિત્તા લાવી શકાય છે.

(10:15 am IST)