Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરનાર બે શખ્સોની ધરપકડ

વડોદરા: માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી  પાસે આવેલા આઇ.સી.આઇ.સી.આઇ.બેન્કના એટીએમમાંથી રૃપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર સગીર સહિત બે ને માંજલપુર પોલીસે ગણત્રીની મિનિટોમાં ઝડપી પાડયા છે.આરોપીઓએ ખિસ્સા ખર્ચ માટે ચોરીની કોશિશ કરી હોવાની કબૂલાત કરી હતી.

મુંબઇ ખાતે આવેલી મોડર્ન ઇન્ફર્મટીક્સ નામની કંપની એ.ટી.એમ.સર્વેલન્સનું કામ કરે છે.ગઇકાલે સવારે ચાર વાગ્યે એ.ટી.એમ.સાઇટ મેન્ટેનન્સનું કામ કરતી કંપનીના ચેનલ એક્ઝિક્યુટિવ પર કોલ આવ્યો હતો કે,મળસ્કે ત્રણ થી ચાર વાગ્યા વચ્ચે માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે ડ્રીમલેન્ડ કોમ્પલેક્સમાં આવેલા આઇ.સી.આઇ.સી.આઇ.બેન્કના એ.ટી.એમ.મશીનમાં કોઇ ચોરે ઘુસીને કોસ્મેટીક ડોર ખોલીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે.જેથી,ચેનલ એક્ઝિક્યુટિવે સ્થળ પર જઇને જોતા કોસ્મેટીક ડોર ખુલ્લો હતો.અને કેશ લોડિંગ માટેનું કોમ્બીનેશન લોક સલામત હતું.જે અંગે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ થયો હોવાનો મેસેજ મળતા જ પેટ્રોલિંગ કરતી પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા વડસર બ્રિજ પાસેથી વિશાલગીરી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી (રહે.સાંઇનાથ નગર, દરબાર ચોકડી પાસે, માંજલપુર) તથા એક સગીર મળી આવ્યો હતો.પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ હાથ ખર્ચ માટે એટીએમમાં ચોરીની કોશિશ કરી હોવાનું કબૂલ્યું હતું.આરોપીઓએ અન્ય કોઇ સ્થળે ચોરીની કોશિશ કરી હતી કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:35 pm IST)