Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નેશનલ ગેમ્સ 2022માં કાલથી અમદાવાદમાં રગ્બીની શરૂઆત

ત્રણ દિવસ દરમિયાન રમાશે રગ્બી ગેમ્સ :ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ ભાગ લેશે.

નેશનલ ગેમ્સ 2022 માં 28 સપ્ટેમ્બરથી રગ્બી ખેલની શરૂઆત થવા જઈ રહી છે. રગ્બીનું આયોજન અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયાના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે. રગ્બી ગેમ્સ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલાઓ 30 સપ્ટેમ્બરના રોજ રમાશે. રગ્બીમાં પુરૂષ અને મહિલા વર્ગમાં બંનેમાં ગુજરાતની ટીમ ભાગ લેવાની છે. રગ્બીની રમતને રગ્બી 7s નામ આપવામાં આવ્યું છે.

   રગ્બીની સાથે સાથે કબડ્ડી અને નેટબોલની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચો પણ રમાવાની છે. કબડ્ડી અને નેટબોલમાં પણ ગુજરાતની ટીમ પર સૌની નજર રહેશે. ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન બાદ ગુજરાતના ખેલ પ્રેમીઓને કબડ્ડી અને નેટબોલમાં મેડલની આશા હશે.

   રગ્બીમાં ગુજરાતની પુરૂષ ટીમનો સમાવેશ ગ્રુપ A માં કરવામાં આવ્યો છે. ગુજરાતની પુરૂષ ટીમ સાથે ગ્રુપ A માં હરિયાણા, મહારાષ્ટ્ર અને સર્વિસીસ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુરૂષોના ગ્રુપ B માં દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 28 સપ્ટેમ્બરે ગુજરાતની ટીમ બે મેચ રમશે. પ્રથમ મેચમાં સવારે 9:50 વાગ્યે ગુજરાતનો મુકાબલો હરિયાણા સામે થશે તો બપોરના 3:15 વાગ્યે બીજા મુકાબલામાં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર સામે થશે. 29 સપ્ટેમ્બરે ગુજરાતનો મુકાબલો સર્વિસીસ સામે સવારે 9:15 વાગ્યે થશે.

  રગ્બીની મહિલા વર્ગમાં ગુજરાતની ટીમનો સમાવેશ ગ્રુપ A માં સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ A માં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ B માં પશ્ચિમ બંગાળ, ચંદીગઢ, ઓડીશા અને કેરળનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 28 સપ્ટેમ્બરે ગુજરાતની મહિલા ટીમ પણ બે મેચ રમશે. પ્રથમ મેચમાં સવારે 11:30 વાગ્યે ગુજરાતનો મુકાબલો બિહાર સામે થશે તો બપોરના 4:55 વાગ્યે બીજા મુકાબલામાં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર સામે થશે. 29 સપ્ટેમ્બરે ગુજરાતનો મુકાબલો દિલ્હી સામે સવારે 10:55 વાગ્યે થશે. રગ્બીમાં પુરૂષ અને મહિલા વર્ગમાં ફાઇનલ મુકાબલાઓ 30 સપ્ટેમ્બરે રમાશે.

 

(8:28 pm IST)