Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગાયો માટેની પ૦૦ કરોડની યોજનાના પ્રચારમાં ર૦ કરોડ વાપર્યા, સહાયતા નામે શુન્‍ય

સરકારે ગૌશાળા-પાંજરાપોળોને એક રૂપીયો પણ ચુકવ્‍યો નથી : સરેરાશ ૭૩૪૭૭ પશુધન માટે માત્ર એક પશુ ચિકિત્‍સા અધિકારીઃ મનિષ દોશી

અમદાવાદ, તા.,૨૮: મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે પ૦૦ કરોડની બજેટમાં  જોગવાઇની વાહવાહી માટે ૨૦ કરોડ રૂપીયાથી વધુની જાહેરાત પર ખર્ચ કરનાર ભાજપ સરકારે એક રૂપીયાની સહાય પણ ગૌશાળા અને પાંજરાપોળને આપી નથી ત્‍યારે ગાયમાતા સાથે વિશ્વાસઘાત કર્યાનો ભાજપા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મુખ્‍ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતુ કે ગુજરાત સરકારશ્રી દ્વારા મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ર૦રર-ર૩ના વર્ષ માટે ૩ જી માર્ચ ૨૦૨૨ના રોજ પ૦૦ કરોડની બજેટમાં જોગવાઇ અને મંજુરી આપી છતા આ સહાય ગૌશાળા અને પાંજરાપોળને ચુકવવામાંઆવી નથી. મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત તા.૩-૩-ર૦રરના રોજ ર૦રર-ર૩ના વાર્ષિક બજેટમાં મંજુર કરવામાં આવેલ સહાય પ૦૦ કરોડ રૂા. ગૌશાળા અને પાંજરાપોળના ગૌધન નિભાવ માટે ર૧૩ કરોડ રૂા. ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ગાયના નિભાવ માટે ૧૦૦ કરોડ રૂા. રખડતા અને નિરાધાર પશુધનના નિભાવ માટે જાહેર કર્યા છે.

રજીસ્‍ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં જે ગૌવંશ સાચવવામાં આવે છે તેમને સહાય પેટે પ્રતિદિન એક ૧ ગૌવંશને રૂા. ૩૦ અને ૧ નંદીને ૪૦ રૂપીયા પ્રમાણે પહેલી એપ્રિલ ર૦રર થી સહાય ચુકવવામાં આવશે એવુ સરકારે જણાવેલ છે પરંતુ આજ દિવસ સુધી એક ફુટી કોડી આપવામાં આવી નથી. ભાજપ સરકાર અને મંત્રીઓ તરફથી સહાયના વાયદા અને જાહેરાતો સતત ચાલુ છે ત્‍યારે ૩૩ કરોડ દેવતાનો જેમા વાસ એવા હિન્‍દુ ધર્મની આસ્‍થાનું પ્રતિક ૪.૪ર લાખ ગૌમાતાઓની આ મશ્‍કરી છે. ગાયો માટે રૂા. પ૦૦ કરોડનું  બજેટ છતા પશુ ડોકટરોની ૩૧૫ પદ ખાલી- ન દવા - ન સુવિધા, રજીસ્‍ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં પોતાના જીવન અસ્‍તિત્‍વ સામે લડી રહેલી ગૌમાતા માટે નિષ્‍ઠુર ભાજપા સરકારનું રૂવાડુ પણ ફરકતુ નથી.

કોંગ્રેસના મુખ્‍ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં ડોકટરો - પેરામેડીકલ સ્‍ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરીકો મોતને ભેટયા તેવી જ રીતે લમ્‍પી વાયરસમાં સારવારના અભાવે ગાય માતા મુગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્‍સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્‍યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્‍ધ નથી. ગુજરાતમાં પશુ ચિકિત્‍સકની ર૯૦ જગ્‍યાઓ ખાલી છે, પટાવાળા કામ એટેંડન્‍ટની ર૯૪ જગ્‍યા ખાલી છે. પટાવાળાની ૪૦પ જગ્‍યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્‍સક અધિકાર એટલે કે ર૬,રપ૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોકટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્‍ધ છે. સરકારના નિયમ મુજબ ૧૦ ગામ દીઠ અથવા ૧૦ હજાર પશુ અને એક નિરીક્ષક હોવા જોઇએ. હકિકત રાજયમાં કુલ પશુધન અને ગામોની સંખ્‍યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૧પ વર્ષથી માત્ર ર૦-૩૦ ટકાથી કામગીરીના લીધે લમ્‍પી ગ્રસ્‍તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઇ છે. 

(4:29 pm IST)