Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વડોદરા સેન્ટ્રલ જેલના 200થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા

સેન્ટ્રલ જેલ બહાર મહિલા અને પુરુષ કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા

ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં જેલમાં કર્મચારીઓ પોતાની વિવિધ માગો સાથે હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ માગોને લઈને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી, તેમાં જેલ કર્મચારીઓનો  સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેઓએ હડતાળ શરુ કરી છે. ત્યારે વડોદરામાં પણ સેન્ટ્રલ જેલના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે.

વડોદરા સેન્ટ્રલ જેલના 200થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. સેન્ટ્રલ જેલ બહાર મહિલા અને પુરુષ કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા 550 કરોડના પેકેજમાં સેન્ટ્રલ જેલના કર્મચારીઓને અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેલ સિપાઈ, હવાલદાર તેમજ સુબેદારનો ગ્રેડ પે અન્ય રાજ્યોના પ્રમાણમાં ખૂબ જ ઓછો છે.

તેના બદલે 2800, 3600 અને 4200 કરવાની સેન્ટ્રેલ જેલના કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોના હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે. તે મુજબ ગુજરાત જેલ પોલીસને પણ પોતાનું યુનિયન અથવા સંગઠન બનાવવા અધિકાર આપવાની પણ માગ કરવામાં આવી છે

(8:04 pm IST)