Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સુરતના ઉઘનામાં હોમગાર્ડની ફરજ બજાવી રહેલ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર આંચકી ગઠિયો રફુચક્કર

સુરત: શહેરના ઉધના બીઆરસી ગાંધીકુટીર પાસે ગત મળસ્કે મહિલા હોમગાર્ડ ઘરની બહાર પાણી ભરતી હતી ત્યારે અજાણ્યા યુવાને પાની આ ગયા તેમ બે વખત પૂછી બાદમાં નજીક આવી તેના ગળામાંથી રૂ.22 હજારની મત્તાનું મંગળસૂત્ર ઝુંટવી લીધું હતું અને ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના બીઆરસી ગાંધીકુટીરમાં રોડ ટચ મકાન નં.161 માં રહેતા અને લુમ્સના કારખાનામાં નોકરી કરતા અનિલભાઈ બડગુજરના પત્ની સીમાબેન ( ઉ.વ.40) હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ટોયલેટ તેમના ઘરની બહાર હોય સીમાબેન ગત મળસ્કે 5.30 વાગ્યે ટોયલેટ ગયા બાદ પાણી ભરતા હતા ત્યારે 20 થી 25 વર્ષનો બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ પેન્ટ પહેરેલો અજાણ્યો યુવાન ત્યાં આવ્યો હતો.

તે યુવાને સીમાબેનને “પાની આ ગયા” બે વખત પૂછી નજીક આવી તેમના ગળામાંથી રૂ.22 હજારની મત્તાનું સોનાનું મંગળસૂત્ર તોડયું હતું અને ભાગી છૂટ્યો હતો. સીમાબેને બુમાબુમ કરતા તેમના પતિ જાગીને બહાર દોડી આવ્યા હતા. જોકે, તેટલી વારમાં અજાણ્યો યુવાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવ અંગે મહિલા હોમગાર્ડ સીમાબેને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એન.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)