Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સુરતના અઠવા અને રાંદેર વિસ્તારમાં આકરા પગલાં: શનિ-રવિમાં મોલ અને લારી ગલ્લાં બંધ રાખવા આદેશ

રાંદેર અને અઠવા સુરતના સૌથી વધુ કોરોના કેસ ધરાવતા વિસ્તાર : રાંદેરમાં 150 જેટલી સોસાયટીઓના પ્રમુખો-સેક્રેટરીઓ સાથે મીટિંગ યોજાઈ

સુરત : સુરતની મહાનગરપાલિકાએ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને સૌથી વધુ કેસવાળા અઠવા અને રાંદેર વિસ્તારમાં શનિ-રવિ લારી ગલ્લાની સાથે મોલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.આ બંને ઝોનમાં લોકોની ભારે ભીડ થતી હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ચોક, બરોડા પ્રિસ્ટેજ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં પણ હાલ લારી ગલ્લાવાળાઓ પર બંધી રાખવામાં આવી છે.

સુરતના અઠવા અને રાંદેર ઝોનના વિસ્તારમાં વધી રહેલા કેસોએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. તેના લીધે મહાપાલિકા કમિશ્નરના અધ્યક્ષપદ હેઠળ સોસાયટીના પ્રમુખો સાતે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી 150 જેટલી સોસાયટીઓના પ્રમુખો-સેક્રેટરીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી. રાંદેર ઝોન વિસ્તારમાં વધી રહેલા કેસોનું પ્રમાણ ઘટાડવા માટે ખાસ મીટિંગ બોલાવવામાં આવી હતી.

 

રાંદેર અને અઠવા ઝોનમાં પ્રતિ દિન 70થી વધારે કેસો આવવાના પગલે કમિશ્નરે આ પ્રકારની બેઠક કરવી પડી છે. બેઠકમાં મહાપાલિકા કમિશ્નર બંછાનિધી પાણી, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પછી સુરત જ એવું શહેર છે જ્યાં કોરોનાના સૌથી  વધારે કેસો આવી રહ્યા છે. તેના પગલે સુરતમાં જો પરિસ્થિતિમાં સુધારો ન થયો તો પહેલા કોર્પોરેશન અને પછી સરકાર દ્વારા વધુ આકરા પગલાં લેવાની ફરજ પડી શકે છે. હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ તો લાદવામાં જ આવ્યો છે. આ રાત્રિ કરફ્યુ કોરોનાના મોરચે સ્થિતિ અંકુશમાં આવે નહીં ત્યાં સુધી અમલમાં રહેવાનો છે.

વડોદરામાં કોરોનાના વધી રહેલા કેસોની સાથે કોરોનાના નિયમોનું પાલન ન કરવાના લીધે એક જ દિવસમાં ચાર મોલ સીલ થયા હતા. આ મોલને ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યા છે. ઇવા મોલ અે ઇનોરબીટ મોલ સેન્ટ્રલ મોલ અને રિલાયન્સ મોલને પણ સીલ કરવામાં આવ્યા છે.

(6:57 pm IST)