Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાજ્યમાં ફૂલગુલાબી ઠંડી નલિયામાં પારો ૧૦.૪ ડિગ્રી

લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો : રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ નોંધાતા વહેલી પરોઢે ઠંડકનો અહેસાસ થયો

અમદાવાદ, તા.૨૮ : સતત તાપમાન વધારા બાદ બે દિવસથી મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. જ્યારે લઘુતમ તાપમાનમાં પણ ૫ ડિગ્રી જેટલો ઘટાડો થતા ફરી ફૂલગુલાબી ઠંડીનો માહોલ છવાયો છે. રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ નોંધાતા વહેલી પરોઢે ઠંડક વર્તાઇ હતી. ત્યારે આગામી ૨૪ કલાક દરમિયાન ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શનિવારે નલિયા ૧૦.૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન સામાન્યથી ઘટી ૧૪.૯ ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત ભેજના પ્રમાણમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી સવારે ઠંડા અને સુકા પવન ફૂંકાયા હતા. જેના કારણે સવારે ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. હવે ઠંડીથી બચવા શ્વેટર પહેરવા ફરજ પડી રહી છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું તાપમાન પણ ઘટી ૩૦ ડિગ્રીની નીચે નોંધાતા દિવસે લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શ: થયેલી ઠંડીને કારણે લોકો શરદી, ઉધરસ, ખાંસી સહિતની બિમારીઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન ૨૯ જ્યારે લઘુતમ તાપમા ૧૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો રોકેટની ગતીએ ગગડી રહ્યો છે. આજે આબુમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું હતં. જેના કારણે કાતિલ ઠંડી સહેલાણીઓએ સહન કરવી પડી હતી. આ ઉપરાંત ઘાસ, ગાડીઓ સહિતની જગ્યાએ બરફના થર જામી ગયા હતા. ત્યારે આગામી દિવસોમાં આબુમાં તાપમાન માઇનસમાં પહોંચે તેવી પણ વકી હવામાન વિભાગ સેવી રહ્યું છે.

(8:46 pm IST)