Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

બારડોલીના સરદાર ટાઉનહોલમાં ચાલતી દારૂ મહેફિલ પર રેડ કરવા શાસકો પહોંચ્યા પણ કાર્યવાહી નહીં કરતા ચકચાર

સમગ્ર પ્રકરણ રફેદફે કરતા અને પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક

બારડોલી : બારડોલી નગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર ટાઉન હોલમાં ત્રણેક દિવસ પૂર્વે રાત્રીના સમયે પાલિકાના શાસકો ટાઉન હોલ પર પહોંચતા કેટલાક શખ્સો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. શાસકોની ટીમને જોતા જ દારૂડિયાઓમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. સરકારી મિલકતમાં દારૂની મહેફિલ ચાલતી હોવા છતાં પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. 

 મોટા ભાગે ટાઉન હોલમાં સરકારી કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમો જ થતા હોય છે. જે મોટા ભાગે દિવસ દરમ્યાન જ થતા હોય છે. આથી રાત્રીના સમયે ટાઉન હોલમાં ચકલુંય ફરકતું નથી.  દેખરેખના અભાવે આ અત્યાધુનિક ટાઉન હોલ દારૂડિયાઓ માટે મોકલું મેદાન સાબિત થઈ રહ્યો છે. રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં દારૂની મહેફિલ મનાવવામાં આવતી હોવાની વાત શાસકોના કાને આવતા શાસકો ખુદ પોલીસના રોલમાં આવી ત્રાટકયા હતા. જો કે શાસકોને ટાઉનહોલ પર આવતા જોય અસામાજિક તત્વો દારૂની મહેફિલ પડતી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા. 

દારૂ પીવાતો હોવાની જાણકારી હોવા છતાં બારડોલી નગરપાલિકાના કારોબારી ચેરમેન નીતિન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન જેનિષ ભંડારી અને સંગઠનના હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે પોલીસને જાણ ન કરતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. દારૂની મહેફિલ પર શાસકોને ત્રાટકવાનો અધિકાર કોણે આપ્યો, જો સૂચના મળી હોય તો અંગે પોલીસને જાણ કેમ કરવામાં ન આવી જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શાસકોએ તેમના જ માણસોને બચાવવા માટે મામલો રફેદફે કરી દીધો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ટાઉનહોલમાં દારૂની મહેફિલ કોણ માણતું હતું તે હજી સુધી જાણી શકાયું નથી. સરકારી જગ્યા હોવાના કારણે અહીં સામાન્ય માણસ દારૂ પીવાની હિંમત કરી શકે તેમ નથી. અહીં રાત્રી દરમ્યાન વોચમેન પણ ડ્યુટી પર હોય છે તેમ છતાં દારૂ પીવાતા પાલિકા શાસકો કે અધિકારીઓની નજીકના જ વ્યક્તિઓ હોવાની ચર્ચા પણ નગરમાં ચાલી રહી છે.

(10:28 pm IST)