Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ભૂમિના જતન- સંરક્ષણ સાથે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક

અડાલજ ખાતે યોજાયેલી સાત દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાના બીજા દિવસે રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિ:પ્રગતિશીલ ખેડૂતોની સફળતા ગાથાથી પ્રેરણા મેળવતા તાલીમાર્થી ખેડૂતો:પ્રાકૃતિક કૃષિ અને દેશી બીજની જાળવણી માટે માર્ગદર્શન આપતાં નિલકંઠ ધામ પોઇચાના કૈવલ્યસ્વરૂપ સ્વામી

ગાંધીનગર:ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે અડાલજ ખાતે યોજાયેલી સાત દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાના બીજા દિવસે ઉપસ્થિત રહીને તાલમાર્થી ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી હતી. આ તાલીમ કાર્યશાળામાં ભૂમિના જતન- સંરક્ષણ- પર્યાવરણની સુરક્ષા અને દેશી ગાયની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.
રાજયના કૃષિ વિભાગ અને આત્મ પ્રોજેક્ટ દ્વારા યોજાયેલી સાત દિવસ માટેની પ્રાકૃતિક કૃષિ અંગેની અડાલજ ખાતેની આ કાર્યશાળામાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની સફળતાગાથા રજૂ કરી હતી. જેમાં અમદાવાદના ચાંદખેડાના દિનેશભાઇ પટેલે પોતાના કિચન ગાર્ડનથી શરૂ કરેલી પ્રાકૃતિક કૃષિને પોતાના નાના ખેતરમાં પણ અપનાવી સમૃધ્ધ થયાની વાત વર્ણવી હતી. જયારે જંબુસરના જયદીપસિંહે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પાંચ વીધાની જમીનમાં ૫૦ હજાર રૂપિયાનો કૃષિ ખર્ચ સામે સાત લાખ રૂપિયાની આવક મેળવતા હોવાની વાત કરી હતી. તેમણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તેમણે કરેલી હળદરની નિકાસ માટેનો શ્રેય પ્રાકૃતિક કૃષિને આપ્યો હતો. આ જ રીતે વડોદરા જિલ્લાના બાવળિયાના ખેડૂત વનરાજસિંહ ચૌહાણે ફેમિલી ફાર્મીંગનો કન્સેપ્ટ સમજાવ્યો હતો. અને ૫૦ પરિવારોને દર અઠવાડિયે ૧૦ કિલો પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થયેલા શાકભાજી પૂરાં પાડીને વર્ષે ૧૦ થી ૧૨ લાખની માત્ર શાકભાજીમાંથી આવક મેળવતા હોવાની વાત સમજાવી હતી. તેમણે બે વીધામાં કેળના પાકથી ૧૦- ૧૨ લાખની આવક મેળવવાના પોતાના અનુભવથી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. ખેડબ્રહ્માના રમેશભાઇ પટેલે ગુંઠામાં પ્રાકૃતિક કૃષિ દ્વારા કેવી રીતે વુધ ઉત્પાદન થાય અને આંતરપાક દ્વારા વધુ કમાણી અને દેશી બીજની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જયારે પ્રાંતિજના વિષ્ણુભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ દ્વારા બે વીધામાં બે લાખના તડબૂચ અને ત્રણ લાખના પપૈયાની આવક મળ્યાનું જણાવ્યું હતું. જેસીંગાભાઇ પટેલે થરાદ પંથકમાં એક એકરમાં પ્રાકૃતિક કૃષિથી સામાન્ય ખર્ચથી વધુ પાક અને વધુ ભાવ મળ્યાની વાત કહી હતી.
આ તાલીમ કાર્યશાાળામાં નિલકંઠ ઘામ, પોઇચાના કૈવલ્યસ્વરૂપ સ્વામીએ “ પ્રાકૃતિક કૃષિ સત્સંગ “  દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા, દેશી બીજની જાળવણી કરવા, પાણીનું સંચય સંવર્ધન કરવા અને ઉત્પાદિક કૃષિ પાકોના યોગ્ય બજાર માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ જ્ઞાન મેળવીને પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

(6:45 pm IST)