Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

આગામી શૈક્ષણિક સત્રથી ધો.9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનોના માળખામાં થશે ફેરફાર

પરીક્ષાના પ્રશ્નપત્રમાં ચાલુ વર્ષ પૂરતું હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાના બદલે 70 ટકા પૂછવામાં આવશે

ગાંધીનગર :  હેતુલક્ષી પ્રશ્નોનો વધારવાની સાથે સાથે વિકલ્પના જે ઈન્ટરનલ પ્રકાર આપવામાં આવતો હતો તેના બદલે જનરલ આપવામાં આવશે. ઈન્ટરનલ અને જનરલનો ભેદ સમજાવતા બોર્ડના અધિકારીએ કહ્યુ હતુ કે, ઈન્ટરનલ એટલે કે એક પ્રશ્નના અથવામાં એક જ પ્રશ્ન પૂછવામાં આવે. જેથી વિકલ્પ તરીકે વિદ્યાર્થીને માત્ર એક જ પ્રશ્ન મળતો હતો. પરંતુ હવે જનરલમાં પાંચ પ્રશ્નમાંથી કોઈપણ ત્રણ પ્રશ્ન લખવાનો વિકલ્પ મળશે.

કોરોનાના કારણે રાજ્યની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય નિયત સત્ર કરતાં મોડુ શરૂ થયું હતું તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યાં છે. જેથી સીબીએસઇની માફક ગુજરાત બોર્ડમાં પણ અભ્યાસક્રમ ઘટાડવામાં આવે તેવી માગ ઊઠી હતી. ગુજરાતના શિક્ષણ વિભાગે અભ્યાસક્રમ ઘટાડવાના બદલે પરીક્ષાના પ્રશ્નપત્રના માળખામાં એક વર્ષ માટે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ.9થી 12ની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ચાલુ વર્ષ પૂરતું હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાના બદલે 70 ટકા પૂછવામાં આવશે.

શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાત મુજબ, પરીક્ષા માળખામાં જે ફેરફાર કર્યો છે તે સામાન્ય પ્રવાહમાં જ લાગુ પડશે. ધોરણ.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જૂના હાલના નિયમ પ્રમાણે 50 ટકા ઓએમઆર અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો જ પૂછવામાં આવશે. પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સરળતા માટે સામાન્ય પ્રવાહની માફક પ્રશ્નોમાં ઈન્ટરનલના બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.

(8:07 pm IST)