Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પ્રચારના અંતિમ તબક્કામાં નરેન્દ્રભાઇ સૌરાષ્ટ્ર-કચ્છમાં : ૪ સભા

બપોરે પાલીતાણા, અંજાર તથા સાંજે જામનગર-રાજકોટમાં જાહેરસભા ગજવશે

રાજકોટતા., ૨૮ : વિધાનસભા ચુંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે પ્રથમ તબક્કાના ચુંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે આવ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે પાલીતાણાનાં હેલીપેડ, ગારીયાધાર રોડ, સરકીટ હાઉસની બાજુમાં બપોરે ૧ર.૧પ  વાગ્યે જાહેરસભા સંબોધશે.

ત્યાર બાદ બપોરે ર.૪પ વાગ્યે કચ્છના અંજારમાં  રાધે રિસોર્ટની સામે, અંજાર-આદિપુર રોડ ખાતે જાહેરસભા સંબોધશે.  

ત્યાર બાદ આજે સોમવારે સાંજે જામનગરનાં ગોરધનપર, લાખાબાવળના પાટીયા સામે  ૪.૩૦ વાગ્યે જાહેરસભા સંબોધશે.

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સાંજે  ૬.૩૦ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જાહેરસભા સંબોધશે.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાહેરસભાને સંબોધન કરશે. રાજય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે સવારે જામનગર, પાલીતાણા બપોરે કચ્છના અંજાર તેમ જ સાંજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની જાહેરસભા યોજાશે. સૌરાષ્ટ્ર કચ્છની ૫૪ બેઠકો ઉપર વર્ચસ્વ મેળવવા આ વખતે ભાજપ દ્વારા આક્રમક રણનીતિ અપનાવાઈ છે. ભાજપ વતી નરેન્દ્રભાઈ ઉપરાંત અમિતભાઈએ પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ફોકસ કર્યું છે. કચ્છના અંજાર સહિતની ત્રણ વિધાનસભા બેઠકો ગાંધીધામ તેમ જ મુન્દ્રાને આવરી લેતા સભા સ્થળ નું આયોજન કરાયું હોઈ અંજારને પસંદગી અપાઈ છે. જોકે, ત્રણ મહિના પહેલા ઓગસ્ટના અંતમાં ભુજ મધ્યે નરેન્દ્રભાઈ ની જંગી જાહેરસભા યોજાઇ હતી. હવે અંતિમ તબક્કામાં નરેન્દ્રભાઈની જાહેરસભા ને કારણે કચ્છમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ૪ જાહેર સભા સંબોધશે. હાલ વડાપ્રધાન ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચુંટણીને લઇને પ્રચારની કામગીરીમાં જોતરાયેલા છે. રાજયમાં ચુંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૪ શહેરોમાં ચુંટણી સભા સંબોધશે. જયારથી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચારની બાગડોર હાથમાં લીધી છે, જેનાથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજેપણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે. જેના લાભ ફરી એકવાર ગુજરાત ચુંટણીના પરિણામ પર જોઇ શકાશે.

ઉલ્લેખનીય છે કે આજે ૧૫મી વિધાનસભાની ચુંટણીને લઇને આજે વડાપ્રધાન પાલિતાણા, કચ્છ, જામનગર અને રાજકોટમાં સભા સંબોધશે. આ શહેરમાં કાર્યકરોમાં  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા ૨૭ વર્ષથી છે. આ વખતે આમ આદમી પાર્ટીની રાજયમાં એન્ટ્રી થતાં સમીકરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે. આજે પણ અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ધરા પર પ્રચાર કરવા આવી પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ફરીવાર સત્તા મેળવવા માટે હાલ ખુબ કમર કસી છે. રાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની ફૌજ હાલ પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધી છે. ભાજપે ચુંટણી જીતવા માટે બેઠક દીઠ એનાલીસીસ કરીને તે પ્રમાણે ઝોન પ્રમાણે દિગ્ગજ નેતાઓ સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં બે તબકકામાં ચુંટણી યોજાવવાની છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે, ૧ અને ૫ ડિસેમ્બરે ચુંટણી મતદાન થવાનું છે. અને પરિણામ ૮ ડિસેમ્બરે આવશે.

(12:20 pm IST)