Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જીટીયુએ એન્‍જીનીયરીંગના પાઠયપુસ્‍તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યુ

અમદાવાદ તા.૨૮: ગુજરાતમાં મેડીકલના પાઠયપુસ્‍તકોનું ભાષાંતર ગુજરાતીમાં કરવા માટે કમીટી બની છે ત્‍યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટી(જીટીયુ)એ તો એન્‍જીનીયરીંગના પાઠયપુસ્‍તકોનું ગુજરાતીમાં ભાષાંતર શરૂ પણ કરી દીધુ છે. ભાષાંતરનું આ કામ રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ(એનઇપી) હેઠળ હાથમાં લેવાયુ છે.

જીટીયુના વાઇસ ચાન્‍સેલર નવીન શેઠે કહયુ કે એન્‍જીનીયરીંગના પાઠયપુસ્‍તકોમાં લગભગ ૨૦ લાખ શબ્‍દો છે. લગભગ ૩ લાખ ટેકનીકલ શબ્‍દો એવા છે જે વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. અમારી ટીમોએ આવા લગભગ ૫૦૦૦૦ ટેકનીકલ શબ્‍દોનું ભાષાંતર ગુજરાતીમાં કરી નાખ્‍યુ છે. આ ભાષાંતર ૨૨ સભ્‍યોની સમિતિ દ્વારા મંજુર પણ કરી દેવાયુ છે. શેઠે કહયુ કે સમિતિમાં ૧૫ સંસ્‍કૃત ભાષાના નિષ્‍ણાંતો સામેલ છે. સુત્રોએ કહયુકે ભાષાંતર કરાયેલ શબ્‍દોમાં ઇલેકટ્રીકલ, મીકેનીકલ અને ઇલેકટ્રોનીકસ કોર્સના શબ્‍દો સામેલ છે. સુત્રોએ કહયુ કે બીજા તબકકામાં લગભગ દોઢ લાખ શબ્‍દોનું ભાષાંતર કરવામાં આવશે.

૧૯ ઓકટોબરે રાજયના ઉચ્‍ચ શિક્ષણ વિભાગે ૧૯ સભ્‍યોની એન્‍જીનીયરીંગ, મેડીકલ, ડેન્‍ટલ, ફીઝીયોથેરાપી અને નર્સીગના કોર્સના પાઠયપુસ્‍તકોના ભાષાંતર માટેનું માળખું તૈયાર કરીને રોડ મેપ તૈયાર કરવા માટે જાહેર કરી હતી. આ  કમીટીનું નેતૃત્‍વ નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવસિર્ટી, ગાંધીનગરના વાઇસ ચાન્‍સેલરને સોપાયુ છેઃ

(3:49 pm IST)