Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડાપ્રધાને સુરતમાં પાટીદારો સાથે બંધબારણે બેઠક યોજીઃ રણનીતિ ઘડીઃ સવાણી પણ મળ્‍યા

સવારના નાસ્‍તામાં PMએ માણી સુરતની ફેમસ ખાણીપીણી

નવી દિલ્‍હી, તા.૨૮: મતદાનને હવે બે દિવસ બાકી રહી ગયા છે, ત્‍યારે પ્રધાનમંત્રી મોદી ખુદ મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ભવ્‍ય રોડ શો યોજાયો હતો. જેમાં પીએમ મોદીની એક ઝલક જોવા મોટીમાં લોકોની ભીડ ઉમટી હતી. મોદી મોદીના નારાથી વડાપ્રધાનનું ચાહકોએ અભિવાદન કર્યું હતું. જેના બાદ તેમણે સુરતના મોટા વરાછામાં જનસભા સંબોધી હતી. પીએમ મોદીએ જનસભા બાદ પણ બેક ટુ બેક મીટિંગો યોજી હતી, અને ચૂંટણીની રણનીતિ નક્કી કરી હતી. આજે તેમણે પોતાની સવાર સુરતનો ફેમસ નાસ્‍તો પોંકથી શરૂઆત કરી હતી. જેના બાદ તેમણે સુરત સર્કિટ હાઉસમાં બેઠકો કરી હતી.

પીએમ મોદીએ આજે સવારથી જ સુરત સર્કિટ હાઉસમાં બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમણે સુરતના હીરા ઉદ્યોગકારો અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. પાટીદાર ગઢ પર વર્ચસ્‍વ ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે તેમણે આ બેઠકો કરી હતી. ઉદ્યોગકાર મુકેશ પટેલ પ્રધાનમંત્રી મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્‍યા હતા. તો આમ આદમી પાર્ટી ના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી પીએમ મોદીને મળ્‍યા હતા. સુરત ખાતે આયોજિત પીએમ મોદીની સભામાં પણ મહેશ સવાણી જોવા મળ્‍યા હતા. જેથી તરેહ તરેહની વાતો વહેતી થઈ હતી.

તો સુરતમાં પ્રધાનમંત્રી મોદીની સવાર સુરતી પોંકના નાસ્‍તાથી થઈ હતી. સુરતનો પોંક વખણાય છે. ત્‍યારે પ્રધાનમંત્રી મોદીને નાસ્‍તામાં આ ખાસ સુરતી વાનગી આપવામાં આવી હતી.

સવારે સીઆર પાટીલ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્‍યા છે. ગઇકાલે મોડીરાત સુધી સીઆર પાટીલ અનેક હર્ષ સંઘવીની પ્રધાનમંત્રી સાથે બેઠક થઈ હતી. ગઈકાલે પણ ગઈકાલે સભા સ્‍થળે ૪૦ ઉદ્યોગકારોને પ્રધાનમંત્રી ૧૫ મીનિટ સુધી મળ્‍યા હતા. વરાછામાં સભા સ્‍થળ પાછળ બેક સ્‍ટેજ ઉદ્યોગકારોને મળીને તેઓએ સુરતમાં પાટીદાર ગઢમાં ભાજપને જે ડેમેજ થયું, તેને કંટ્રોલ કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.

(4:31 pm IST)