Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગાંધીનગર શહેર નજીક રૂપાલ ગામે ખેતરમાં વાછરડા છોડવાની ના કહેતા બે ભાઈઓએ યુવાન પર લાકડીથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં ગઇકાલે ખેતરમાં વાછરડાં નહીં છોડવાનું કહેવા ગયેલા ગામના જ યુવાન ઉપર બેભાઇઓએ લાકડીથી હૂમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જે મામલે યુવાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભે ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી છે.

રૃપાલમાં આવેલા પલ્લીવાસમાં રહેતા દિક્ષિત દિનેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે સાંજના સમયે તે તેના ખેતરમાં હાજર હતો તે સમયે છ જેટલા વાછરડાં ચરવા ધૂસી આવ્યા હતા જેથી તેમના બહાર કાઢ્યા હતા અવાર નવાર આ વાછરડાં આવી જતા હોવાથી ખેતીના પાકને નુકશાન થતું હતું તે ઘર તરફ જઇ રહ્યો હતો તે સમયે આ વાછરડાં બળિયાદેવ મંદિર પાસે આવેલા વાડામાં હતા જેથી ત્યાં હાજર ગામના જ ભગવાનભાઇ રબારીને પુછતા આ વાછરડાં તેમના હોવાનું કહ્યું હતું જેથી યુવાને વાછરડાં ખેતરમાં આવીને પાકને નુકશાન કરતા હોવાથી ખેતરમાં ના આવે તે અંગે ધ્યાન રાખવા કહ્યું હતું. જો કે, ભગવાનભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા એટલામાં તેમના નાના ભાઇ રણછોડભાઇ ત્યાં આવી ગયા હતા અને ભાઇનું ઉપરાંણું લઇને બોલાચાલી કરવા લાગ્યા હતા ત્યાર બાદ દિક્ષિતને પકડીને લાકડીથી માર માર્યો હતો અને વાછરડાં ખેતરમાં આવશે હવે પછી કહેવા આવ્યો છે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી. હાલ તો પેથાપુર પોલીસે યુવાનની ફરિયાદને આધારે બન્ને ભાઇઓ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

(5:59 pm IST)