Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગાંધીનગર: માર્ગ પર અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો:નરોડા-ચિલોડા હાઇવે પર પુરપાટ ઝડપે જઈ રહેલ રીક્ષા પલ્ટી ખાતા ચાલક સહીત બે ઈજાગ્રસ્ત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે નરોડા ચિલોડા હાઇવે ઉપર વલાદ ગામના પાટીયા પાસે પુરઝડપે જઇ રહેલી કારે લોડીંગ રિક્ષાને અડફેટે લેતા તે પલટી ગઇ હતી અને તેમાં સવાર ચાલક સહિત બેને ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે ડભોડા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

જિલ્લાના હાઇવે માર્ગો હાલ અકસ્માતો માટે હોટસ્પોટ બની ગયા છે અવાર નવાર બનતી અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર રોકેટ ગતિએ દોડતા વાહનોને કારણે અહીં અકસ્માતો વધ્યા છે ત્યારે અહીં ગઇકાલે બપોરના સુમારે વલાદ ગામના પાટિયા પાસે કારની અડફેટે લોડીંગ રિક્ષાચાલક આધેડનું મોત થયું હતું આ ઘટના અંગે નાના ચિલોડા રિધ્ધી શિધ્ધી વસાહતમાં રહેતા હિતેષ દિલીપભાઇ વાસણિયાએ ફરિયાદ કરી હતી કે, તેમના પિતા દિલીપભાઇ માર્બલ ફેક્ટરીમાં લોડીંગ રિક્ષા ચલાવે છે ગઇકાલે તેમના સાથે રામનાથભાઇ સાથે નાના ચિલોડાથી માર્બલ-ટાઇલ્સ ભરીને મોટા ચિલોડા ખાતે જઇ રહ્યા હતા જે દરમ્યાન વલાદ ગામના પાટીયા પાસે પુરઝડપે પસાર થતી કારે તેમને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બન્નેને ઇજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમના પિતાને વધુ ઇજા હોવાથી તેમના પિતાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમ્યાન જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

(5:59 pm IST)