Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

108ના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓની પ્રેરક પ્રામાણિકતા :દર્દી પાસેના 43300 રોકડ અને મોબાઈલ સ્વજનને પરત કર્યા

108 સેવાના કર્મચારીઓની જીવન રક્ષા સાથે ઇજાગ્રસ્તની માલમત્તા સાચવીને પરત સોંપવાની પ્રામાણિકતા અને નિષ્ઠા સૌને સ્પર્શી ગઈ

વડોદરા :108 ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના કર્તવ્યનિષ્ઠ સેવકોનો જીવનમંત્ર છે .  ફરજ સાથે પ્રામાણિકતાની ઉજ્જવળ પરંપરામાં વડોદરા 108ના પાઇલોટ ભાવેશ રાઠોડ અને તેમના સાથી ઈ.એમ.ટી. જયેશ મકવાણાએ વધુ એક કડી જોડી હતી. તેમણે એકલવાયા ઇજાગ્રસ્ત દર્દીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની સાથે,તેની પાસેની મોટી રોકડ રકમ અને કિંમતી મોબાઈલ સાચવીને,દર્દીના પરિવારજન ને સોંપી હતી અને પોતાની કર્તવ્ય નિષ્ઠા દીપાવી હતી.

મળતી માહિતી અનુસાર આજે સવારે માંડવી પાસે માર્ગ અકસ્માતમાં શાયરવાલા અમીનભાઈ ઇજાગ્રસ્ત થતાં 108સેવાને કોલ કરવામાં આવ્યો હતો. આ સેવાનું વાહન શક્ય તેટલી ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને એકલવાયા ઇજાગ્રસ્તને લઈને સયાજી હોસ્પિટલ પહોંચ્યું હતું. આ ઇજાગ્રસ્ત પાસે રૂ.43300 રોકડ અને રૂ.20 હજારની કિંમતનો મોબાઈલ હતો જે સલામત રીતે તેના સ્વજનોને સોંપવાની જરૂર હતી. આ સંજોગોમાં ભાવેશભાઈ અને જયેશભાઈએ તુરત જ તેમના સ્વજન ને શોધીને હોસ્પિટલે બોલાવ્યા હતા.અને તેમની રોકડ અને મોબાઈલ તેમને પરત કરવાની કાળજી લીધી હતી. 108 સેવાના કર્મચારીઓની જીવન રક્ષા સાથે ઇજાગ્રસ્તની માલમત્તા સાચવીને પરત સોંપવાની પ્રામાણિકતા અને નિષ્ઠા સૌને સ્પર્શી ગઈ હતી.

 

(7:13 pm IST)