Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

નર્મદા જિલ્લાનાં સેલંબા ખાતે 500 પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા જતા અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતમાં ફરી પેપર લીક કૌભાંડને લઈને શિક્ષિત બેરોજગારોમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં સાગબારાના સેલંબા ખાતે સેન્ટર રાખવામાં આવ્યું હતું. જે તમામ પરીક્ષાર્થીઓ અટવાયા હતા. અને વહેલી સવારે સેલંબા પરીક્ષાર્થીઓ પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતા ખબર પડી કે પેપર લીક થઇ જવાના કારણે પરીક્ષા રદ કરવા આવી  છે, ત્યારે વારંવાર ફૂટતા પેપરની ઘટના ને લઈને શિક્ષિત બેરોજગારો નારાજ થઇ ને આ સરકાર અમારું પેપર નથી ફોડતી અમારું નસીબ ફોડી રહી છે નું કહી દુઃખી થઈ પરત ફરી બસોમાં બેસતા જોવા મળી રહ્યા હતા. 

 

આજે જુનિયર ક્લાર્કની યોજાવાની પરીક્ષા મોકૂફ થતા વિધાર્થીઓ માં રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લા માં મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સેલંબા ખાતે પરીક્ષા કેન્દ્ર હતું. ત્રણ જિલ્લાના 500 થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા અને તેમને પરીક્ષા આપ્યા વગર ઘરે જવું પડતા રોષે ભરાયા હતા રાજપીપલા એસ.ટી.ડેપોમાં થી છોટાઉદેપુર, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિતના વિસ્તારના પરીક્ષાર્થીઓ સેલંબા ખાતે પહોંચ્યા હતા. આ બાબતે તટસ્થ તપાસ ની માંગ અને પેપર લીક કરનાર ને કડક સજા કરવાની માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હતી નહીતો વિધાન સભાનો ઘેરાવો કરવાની અને સરકાર ને રાજીનામુ આપી દેવાની ચીમકી પણ આપી હતી. 

 

 : રાજપીપલા મુખ્ય સેન્ટર છતાં છેવાડાનું ગામ કેમ ?

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું એક સેન્ટર નર્મદા જિલ્લામાં પણ રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ જિલ્લા કક્ષાની કે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ હરીફાઈઓ રાજપીપલા મુખ્ય મથક પર  થતી હોય છે જ્યારે આ વખતે જિલ્લાના છેવાડાનું ગામ તાલુકો સેલંબા તંત્ર દ્વારા પસંદ કરવામાં આવી અને ત્યાં જ બેઠક વ્યવસ્થા ગોઠવાઈ, જોકે ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીને રાજપીપલા સરળ પડે છતાં તંત્ર સરકાર માંથી જે આવ્યું એમ કહી સાચી હકીકત છુપાવવા નો પ્રયાસ કરી રહી હોય એમ લાગી રહ્યું છે. 

 

 વારંવાર આવા પેપર લીક કરી બે વર્ષથી મહેનત કરતા મારા જેવા અનેક શિક્ષિત બેરોજગારો ની આ સરકાર મસ્કરી કરે છે એમ લાગી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર હોય કે યુવા વર્ગ જો ખોબે ખોબે ભરી આ સરકારને મત આપ્યા હોય તો તટસ્થ પરીક્ષા કરવી સરકારની ફરજ બને છે. આવા પેપર લીક કરતા લોકોને ખુલ્લા પાડે ફાંસી આપી દે. તાત્કાલિક ફરી પરીક્ષા લે સરકાર અમારું પેપર નથી ફોડતી અમારું નસીબ ફોડી રહી છે >>> ફુલસિંહ રાઠવા (પરીક્ષાર્થી છોટાઉદેપુર )

(11:46 pm IST)