Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ઇતિહાસમાં પ્રથમ વખત: રાજ્યમાં 24 કલાકમાં 1067 કર્મીની ઓનલાઇન અરજીથી આંતરિક જિલ્લા ફેરબદલી

બદલી માટે ઓનલાઈન અરજી, વોટ્સએપ ગ્રુપથી ચર્ચા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નવતર પહેલ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યસેવાના અદના વર્ગ-૪ અને વર્ગ-૩ના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી સંવેદનાત્મક નિર્ણાયકતાના સતત હિમાયતી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોને પણ નાના કર્મચારીઓને કામગીરીમાં સરળતા રહે, ઘર-પરિવારની દેખભાળ કે વૃદ્ધ માતા-પિતાની સારસંભાળમાં તેને સુવિધા મળે તેવી રીતે કર્મચારીઓની ફેરબદલી કરવાનો અભિગમ અપનાવવા સૂચનાઓ આપેલી છે.

મુખ્યમંત્રીએ દિવ્યાંગ, ગંગાસ્વરૂપ, માંદગીના કિસ્સા કે પતિ-પત્ની બે અલગ અલગ સ્થળે સેવારત હોય તેવા કિસ્સામાં પણ વિભાગ તથા સચિવાલય કક્ષાએ સહાનુભૂતિપૂર્વક વિચારી બદલીઓ કરવાના દિશાનિર્દેશો આપેલા છે.

મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે સંબંધિત વિભાગોએ પણ સંપૂર્ણ પારદર્શિતા-ટોટલ ટ્રાન્સપરન્સી સાથે આ પ્રક્રિયા હાથ ધરી છે. તદ્દનુસાર પંચાયત વિભાગે માત્ર ચોવીસ જ કલાકમાં ૧૦૬૭ કર્મચારીઓના આંતરજીલ્લા ફેરબદલીના હુકમ કર્યા છે રોજગાર અને તાલીમ વિભાગે વિડિયો કોન્ફરન્સિંગનો અદ્યતન રાહ અપનાવી ૧૧૬૫ કર્મીઓની પારદર્શી રીતે આંતર જિલ્લા ફેરબદલીઓ કરી છે. 

કર્મચારીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના ૨,૨૩૨ કર્મચારીઓની આંતરજિલ્લા ફેરબદલી ખૂબ જ ટૂંકા ગાળામાં શક્ય બની છે.

(11:45 pm IST)