Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નસવાડી તાલુકા પંચાયતની અંદર જ આવેલ મનરેગા ઓફિસની અંદર પીવાઇ ગયેલ ૧૦૦ દારૂ બિયરના ટીન મળી આવ્‍યા

મનરેગા ઓફિસના ધાબા પર પીવાઈ ગયેલ અલગ અલગ બ્રાન્ડના દારૂના ક્વાર્ટરિયા સાથે મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ પણ મળી આવી છે

નસવાડી: નસવાડી તાલુકામાં કડક દારૂબંધીના અમલ માટે સરપંચો આવેદનપત્ર આપી રજૂઆત કરે છે. ત્યારે બીજી બાજુ નસવાડી તાલુકા પંચાયતની અંદર જ આવેલ મનરેગા ઓફિસની અંદર પીવાઇ ગયેલ દારૂ બિયરના ટીન નસવાડી પોલીસ કબજે કર્યા છે. આ મનરેગા ઓફિસના ધાબા પર પીવાઈ ગયેલ અલગ અલગ બ્રાન્ડના દારૂના ક્વાર્ટરિયા સાથે મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરના ટીન અંદાજે 100 બોટલ ટીન નસવાડી પોલીસે કબજે કર્યા છે.

નસવાડી પોલીસ તેમજ બોડેલી સીપીઆઈ મનરેગા ઓફિસ ઉપર આવ્યા હતા. આ ઓફિસના ધાબા પર જવા માટે ફક્ત એક જ દાદર છે અને એ પણ લોકવાળો છે. એટલે ઓફિસ ખુલે પછી જ કોઈક વ્યક્તિ ધાબા ઉપર કે અંદર પ્રવેશી શકે છે. પોલીસ આવીને દરેક બાબતની સ્થળ તપાસ કરી છે. જેમાં મનરેગા ઓફિસના જે કોમ્પ્યૂટર રૂમ છે તે ઓફિસની અંદર બિયર અને દારૂની બોટલ મળી આવી હતી. જે પોલીસ કબજે કરી છે. નસવાડીના આદિવાસી ગ્રામજનો ઓફિસ આવે તો ચંપલ પણ બહાર ઉતારીને અંદર જતા હોય ત્યારે આટલો બધો દારૂ કોણ પી ગયું તેના પર પ્રશ્નો ઉઠ્યા છે.

બીજી બાજુ નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો દારૂબંધીના કડક અમલને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ત્યારે સરકારી ઓફિસમાં પીવાઈ ગયેલ દારૂની બોટલો પોલીસે કબજે કરી હવે સરકારી તંત્ર સામે કાર્યવાહી શું કરે છે તેના પર સૌની નજર છે.શનિવારે ઓફિસ ખુલ્લી હોઇ કેટલાક કર્મચારીઓ કામગીરી કરવા આવ્યા હતા. જેમાં નસવાડી ટીડીઓની સહી લેવા પણ કેટલાક કર્મચારીઓ ઘરે ગયા હતા. ત્યારે દારૂની બાબતને લઈ ભારે ચર્ચાઓ ઉઠી છે.

હવે પોલીસ તપાસમાં જ ખબર પડે કે દારૂની બોટલો ખાલી તો કોઈ મૂકી નથી ગયું. કારણ કે થેલી બોક્સમાં ભરીને ફેંકવા માટે આ બોટલો મૂકી હતી. દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર હોય અને ઈંગ્લિશ દારૂની લતે સરકારી કર્મચારીઓ ચઠ્યા હોય તેવી ચર્ચા ઉઠી છે.

દારૂને લઈ કાર્યવાહી કરવા આદિવાસી સમાજ આવેદનપત્ર આપી માગ કરે છે અને ગામડામાં મળતો દારૂ પકડાતો નથી તો તાલુકા પંચાયત ઓફિસ કર્મચારીઓ માટે આટલો બધો દારૂ આવ્યો કઈ રીતે અને પીવાઈ પણ ગયો. પીવાઈ ગયેલો દારૂની મોંઘી બોટલો, ટીન પોલીસ કબ્જે કરી છે તો કાર્યવાહી કરવી જોઈએ. કોઈ ખાલી તો મૂકી ન જાય, ઉપર અને અંદર પાર્ટીઓ થાય એવી વાતો પહેલાથી બધાં જાણે છે. કામ માટે આવતા લોકો અને બાકી કામ હોય તેમના નિવેદનો લેવા જોઈએ અને તપાસ થાય તેવી મારી માગ છે.

મનરેગા ઓફિસમાં મોટી માત્રામાં મજૂરોને લગતા કામ થતા હોય છે. કેટલાય લોકો તેમના કામ માટે ધક્કા ખાય છે. ત્યારે દારૂની બોટલો ટકાવારી પેટે ઓફિસમાં લેવાય છે. તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે. જાગૃત ગ્રામજનોના નિવેદનો લઈ કોણ દારૂની પાર્ટીઓ કરે છે તે હવે તપાસનો વિષય બન્યો છે.

(12:09 pm IST)