Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નવાપુરના સાવરટ ગામે કારનું આગળનું ટાયર ધડાકા સાથે ફાટતાં કાર બેકાબૂ બનતા પલટી મારી : કારમાં સવાર મહિલાનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યુ મોત

અન્ય ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી: દસ વર્ષીય બાળકના નજર સમક્ષ તેની માતાનું મોત નિપજયું હતું

નવાપુર તાલુકાના સાવરટ ગામ પાસે અર્ટિગા કારનું આગળનું ટાયર અચાનક ધડાકા સાથે ફાટતાં કાર બેકાબૂ બની ગયા બાદ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં એક દસ વર્ષીય બાળકના નજર સમક્ષ તેની માતાનું મોત થયાનું નોંધાયું હતું. કાર મહારાષ્ટ્રના ચાલીસગાંવ તાલુકા ના કુંજર ગામથી સુરત તરફ જઈ રહી હતી. પલસાણાના હરિલાલ લખનભાઈ પટેલ કાર લઈ મહારાષ્ટ્રના ચાલીસ ગાવ તાલુકાના કુંજર ગામે સુરતથી લોકોને બેસાડી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતાં.

 તેઓ શનિવારે બપોરે પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ નવાપુર તાલુકા સાવરવટ ગામ નજીક કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો.અકસ્માતમાં કારનું ટાયર ફાટતાં કાર હાઇવે પર ત્રણ-ચાર વખત પલટી મારી હતી અને બાદમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સુરતના દિપાલી ઉર્ફ (સોનલ બહેન) શામરાવ પવારને માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જ્યારે અકસ્માતમાં દીપાલી બહેનની સાથે બેસેલો દસ વર્ષીય પુત્ર રોહિત શામરાવ પવારનો બચાવ થયો હતો અને તેની નજર સમક્ષ માતા નું મૃત્યુ નિપજતાં તેણે સ્થળ પર ભારે આક્રંદ કર્યું હતું જેથી ઉપસ્થિત લોકોની પણ આંખો ભીની થઇ ગઇ હતી.આ અકસ્માતમાં કુંજર ચાલીસગાંવ ના રહેવાસી એવાં દિલીપ શિવાજીભાઈ ચિત્તે (42) અને પલસાણાના કાર ચાલક હરિ લાલ લખનભાઈ પટેલ (56)ને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અંગે નવાપુર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

(12:11 pm IST)