Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

અમિતભાઇ શાહે ખેડા ખાતે 348 કરોડના ખર્ચે નિર્મિત ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કર્યું

નવસારીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 2 કરોડના ખર્ચે બનેલું નવા પોલીસ સ્ટેશનનું પણ ઈ લોકાર્પણ કરાયું

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ  શાહે ખેડા ખાતે 348 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. અમિતભાઇ શાહે કહ્યું હતું કે આજે 348 કરોડના ખર્ચે પોલીસના રહેણાંક તેમજ બિન રહેણાંક જેવા કે આઈબી ઓફિસ, પોલીસ ડિસ્પેન્સરી,પોલીસ સ્ટેશન, પોલીસ બેરેક, સ્પોર્ટ્સ ફેસિલિટી, વાયરલેસ વર્કશોપ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના મકાનો, ડોક કેનાલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ થયું છે. પોલીસ જવાનોને વધુ અસરકારક સાથે કાર્ય કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની ચિંતા ગુજરાત સરકાર સતત કરી રહી છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે લાંબા સમયથી આધુનિક અને સુવિધાથી સજ્જ પોલીસ સ્ટેશનની માંગ હતી ત્યારે આજે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ દ્વારા  ખેડા ખાતેથી પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન એવું સ્થળ હોય કે જ્યાંથી કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અધિકારી કર્મચારીઓ સતત મોનીટરીંગ કરતા હોય છે.નાગરિકો પોતાની સાથે થયેલા અન્યાય બાબતે ફરિયાદ કે અરજી સહિત પાસપોર્ટ કે અન્ય કામો માટે સતત કચેરીની મુલાકાત લેતા હોય છે. ત્યારે પોલીસ માટે પણ એક આધુનિક કચેરી હોવી એ સમયની જરૂરીયાત બની છે. 

(9:08 pm IST)