Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

વડોદરામાં ગાયે યુવાનને અડફેટે લીધો, ઘૂંટણમાં ઇજા

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવતઃ૧૭ દિવસમાં રખડતાં ઢોરની અડફેટે ૯ લોકોને ઇજા થઇ

વડોદરા , તા.૨૯ :વડોદરા શહેરમાં રખડતી ગાયે વધુ એક યુવાનને અડફેટે લીધાની ઘટના સામે આવી છે, જેમાં યુવાન અતાસુલ્તાનને ઘૂંટણે ઇજા થઇ હતી, જેના CCTV સામે આવ્યા છે. છેલ્લા ૧૭ દિવસમાં ગાયના હુમલાની આ ૯મી ઘટના સામે આવી છે.

વડોદરા શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વકરી રહી છે. પાલિકાની ટીમ દ્વારા રખડતાં ઢોરને કાબૂમાં લેવાના પ્રયાસો વચ્ચે ગાયે એક યુવકને અડફેટે લીધો છે. આ ઘટના નવાયાર્ડ વિસ્તારમાં બની છે. જ્યાં રોશનનગરમાં રહેતો અતાસુલ્તાન નામનો યુવાન શાકભાજીની લારી લઇને ઊભો હતો, ત્યારે અચાનક ગાયે તેને શિંગડે ભરવી ઉછાળ્યો હતો, જેમાં તેને ઘૂંટણે ઇજા થઇ હતી.

વડોદરા શહેરમાં એક તરફ ગાયોના વધતા હુમલાને પગલે કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે બીજી તરફ વધુ એક ગાયના હુમલાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અમરનગરમાં રહેતા મૂળજીભાઇ ક્રિશ્ચિયન સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ ગઈકાલે સવારે નોકરી પૂર્ણ કરી ચાલતા ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ગાયે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો અને તેને ભેટી મારીને રોડ પર પટકી દીધા હતા.નોંધનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા ૧૭ દિવસમાં રખડતાં ઢોરની અડફેટે ૯ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ૩ દિવસ પહેલાં જ પ્રેસ-કોન્ફરન્સમાં કહીને ગયા હતા કે વડોદરામાં રખડતાં ઢોર અંગે મેયર કેયૂર રોકડિયાને ફરી વાર ટકોર કરી છે અને રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ ફરીવાર જોર પકડે એમ જણાવ્યું છે. પાટીલ આ વાત કહીને ગયા અને બે દિવસ બાદ જ ફરી એકવાર વડોદરામાં ગાયના હુમલાની ઘટના બની છે

 

(9:37 pm IST)