Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

અમદાવાદમાં અમૃત સરોવર યોજનાનો પ્રારંભ : 75 તળાવ બનાવાશે :7 લાખ 50 હજાર ક્યુબીક મીટર જળ સંગ્રહ કરાશે

અમદાવાદ જિલ્લામાં આ યોજના અંતર્ગત 33 તળાવનું કામ ચાલુ : ઓગસ્ટ 2023 સુધીમાં 75 તળાવનું કામ પૂર્ણ કરવાનું આયોજન: તળાવ સ્થળે વૃક્ષો વાવીને અન્ય સુખ સુવિધાઓ પણ ઉભી કરાશે

અમદાવાદ : દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે સરકારની દરેક જિલ્લામાં 75 તળાવ ખોદવાની યોજના અમદાવાદમાં પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં હાલ 33 ગામમાં તળાવ ખોદાઈ રહ્યા છે. આ તળાવથી જળ સંગ્રહ થશે અને ગામ સમૃદ્ધ થશે. પ્રધાનમંત્રી મોદીએ પણ વર્ષ 2022થી 2023 સુધી સમગ્ર વર્ષ અમૃત મહોત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં અમૃત સરોવર બનાવવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં 75 નવા તળાવ બનાવવામાં આવશે. એક એકરમાં એક તળાવ બનાવવામાં આવશે. જેમાં 10 હજાર ક્યુબીક મીટર જળસંગ્રહ કરવામાં આવશે.  

અમદાવાદ જિલ્લામાં આ યોજના અંતર્ગત 33 તળાવનું કામ ચાલી રહ્યું છે. અને ઓગસ્ટ 2023 સુધીમાં 75 તળાવનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે.તળાવ સ્થળે વૃક્ષો વાવીને અન્ય સુખ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. અમદાવાદના બાવળા તાલુકાના કોસરડી ગામમાં તળાવ ખોદવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.હાલ તો અમદાવાદના સાણંદમાં 10 તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે. દસક્રોઈના 8 તળાવ, ધોળકાના 8 તળાવ, બાવળાના 10 તળાવ, વિરમગામમાં 6 તળાવ, માંડલમાં 7 તળાવ, દેત્રોજ-રામપુરમાં 5 તળાવ, ધંધુકામાં 8 અને ધોલેરામાં 11 ગામમાં પાણીની ક્ષમતા વધારવા માટે તળાવ ખોદવાનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:25 pm IST)