Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગુજરાતમાં 3 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હજુ સુધી સાર્વત્રિક વરસાદ થયો નથી. તેવામાં હવામાન વિભાગે એક આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેણા કારણે ઘરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે. હવામાન વિભાગના મતે, 30 જૂનથી 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપી,નવસારી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. બીજી બાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમાર અને બંદરો માટે હાલમાં  કોઈ ચેતવણી નથી.

અંબાલાલ પટેલની સમગ્ર ગુજરાતને લઈને વરસાદની આગાહી 

મહત્વનું છે કે ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડશે તેના વિશે જણાવ્યું છે. અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ અને વાવણી લાયક સારો વરસાદ રહેશે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં પણ સારા વરસાદની આગાહી કરી છે. આગામી 3 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, થોડાક જ દિવસોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવામાં છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે. દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. પરંતુ હજુ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી.  ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની રાહ જોવી પડશે, પરંતુ તેમણે પણ ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈની શરૂઆતમાં  સારો વરસાદ થવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૩ જુલાઈ સુધીમાં તો સારો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ 5 જુલાઈ સુધીમાં પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. પાટણ, હારીજ સમી સિદ્ધપુર, વિસનગર, બેચરાજી, કડીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગો બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શકયતા છે. ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. વરસાદની સચોટ આગાહી આપનાર અંબાલાલ પટેલ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ એકદમ સારું રહેશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે આ સાથે ખેડૂતો માટે પટેલે આદ્વા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ પણ આપી છે. 24 જૂનથી લઇને ૩૦ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની યોજાયેલી બેઠકમાં IMDના અધિકારી એમ.મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે.

ચર્ચા દરમિયાન રાહત કમિશનરએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. રાહત કમિશનર દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.

(5:18 pm IST)