Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વડોદરાના જરોદ પંથકમાં પાલડીના સરપંચ સહીત અન્ય ચાર શખ્સોએ વીજ કર્મી પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: વરસાદના કારણે જરોદ પંથકમાં ઇલેક્ટ્રિસિટિ ખોરવાતા પાલડી સબ સ્ટેશન પર ગ્રામજનોએ હલ્લો મચાવી બે વીજ કર્મચારીને માર મારી સરપંચ સહિત ચાર શખ્સોએ ગંભીર ઇજા પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે આસોજ તેમજ જરોદ પંથકમાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારની વીજલાઇનમાં અનેક સ્થળે ફોલ્ટ થયા હતાં. આ વખતે આસોજ ગામની સીમમાં પાલડી સબસ્ટેશન પર ફરજ બજાવતા એન્જિનિયર જિગ્નેશ ચૌધરી તેમજ આસિસ્ટન્ટ લાઇનમેન અંબુ બાબુભાઇ રોહીત અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ગજાભાઇ ડામોર ગ્રામ્ય વિસ્તારોમાં ફોલ્ટ રિપેર કરવા માટે ગયા  હતાં. મોડી રાત્રે ત્રણે વિવિધ ફોલ્ટ રિપેર કરી સબસ્ટેશન પર પહોંચ્યા ત્યારે ત્યાં ૧૫થી ૨૦ જેટલા માણસો લાઇટ અંગે રજૂઆત કરવા માટે આવ્યા હતાં.

ટોળાના માણસોએ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ગજાભાઇ સાથે બોલાચાલી કરી હતી અને તમારો ચૌધરી સાહેબ ક્યાં છે તેમ પૂછતા ત્યાં હાજર જિગ્નેશ ચૌધરીએ જણાવેલ કે અમો આવી ગયા છે, તમો કેમ બોલાચાલી કરો છો તેમ કહેતાં ટોળાના માણસો રોષે ભરાયા હતા અને તમો લાઇટો કેમ બંધ રાખો છો તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. આ ઝઘડાનું અંબુભાઇ રોહીત મોબાઇલમાં રેકોર્ડીગ કરતા હતા ત્યારે એક શખ્સે પાછળથી બોચી પકડી ધક્કો મારી પાડી દઇ અમારું રેકોર્ડીંગ કરો છો તેમ કહી અંબુભાઇ પાસેથી મોબાઇલ લઇ લીધો હતો બાદમાં લાતો મારી હતી. આ બનાવ અંગે અંબુભાઇએ પાલડીના સરપંચ કિરણભાઇ ભાલીયા, ઠાકોર મનુભાઇ ભાલીયા, અશોકભાઇ તેમજ અન્ય એક શખ્સ સામે એટ્રોસિટિ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)