Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બહુ સારા લાગો છો કહીને આધેડે મહિલાને બાહુપાશમાં જકડી લીધી

અમદાવાદના વસ્ત્રાલની શરમજનક ઘટના : પરિણિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આધેડ સહિત ચાર શખ્સો વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પાડોશમાં રહેતા આધેડે પરિણિતા સાથે શરમનજક કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. પરિણિતા પોતાના ફ્લેટમાંથી નીચે ઉતરી હતી અને ઘી લેવા માટે જઈ રહી હતી. ત્યારે પાર્કિંગમાં ઉભા રહેલા પાડોશી આધેડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આધેડે પરિણિતાને એવું કહ્યું હતું કે, આજે તો તમે બહુ સારા લાગો છો. આવું કહ્યા બાદ આધેડ પાડોશીએ પરિણિતાને પોતાની બાથમાં લઈ લીધી હતી. આ ઘટના બાદ પરિણિતા પણ ડઘાઈ ગઈ હતી. આખરે પરિણિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આધેડ સહિત ચાર શખસો વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તે પોતાના પતિ અને પુત્ર સાથે વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. પરિણિતા જ્યાં રહે છે ત્યાં એક રહેતો એક આધેડ શખશ છેલ્લાં કેટલાંક સમયથી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે પરિણિતા ઘરની બહાર નીકળે ત્યારે આ આધેડ શખ્સ તેનો પીછો કરતો હતો. સાથે જ આ આધેડ અશ્લીલ કોમેન્ટ પણ કરતો હતો અને તેને હેરાન કરતો હતો. જો કે, પરિણિતા આ આધેડની આવી હરકતો સામે આંખ આડા કાન કરતી હતી.

તાજેતરમાં જ પરિણિતા સાથે આ આધેડે ન કરવાનું કૃત્ય કર્યુ હતુ. સાંજના સમયે પરિણિતા ઘી લેવા માટે પોતાના ઘરેથી નીકળી હતી. ત્યારે આ આધેડ શખસ ફ્લેટના પાર્કિંગમાં બેસ્યો હતો. આ સમયે આધેડે પરિણિતાને ઊભી રાખી હતી. બાદમાં આધેડે એવું કહ્યું હતું કે, આજે તો તમે બહુ સારા લાગો છો. આવું કહ્યા બાદ આધેડે પરિણિતાનો હાથ પણ પકડી લીધો હતો. આ ઘટના બાદ ફ્લેટના અન્ય રહીશો આવી પહોંચ્યા હતા. જે બાદ આધેડ ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ ઘટનાની થોડી વાર પછી આધેડે વિવાદને આગળ વધાર્યો હતો. આધેડ પોતાની સાથે ત્રણ શખસો સાથે આવ્યો હતો અને પરિણિતાના ઘરે પહોંચ્યો હતો. આધેડની સાથે આ શખસોને જોઈને પરિણિતા ડરી ગઈ હતી અને તેણે તરત જ ઘરનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આધેડે તેને માર માર્યો હતો અને પરિણિતાનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. સાથે જ તેના પરિવારજનોને માર માર્યો હતો. એવા આક્ષેપ પરિણિતાએ કર્યા છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

 

(8:01 pm IST)