Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

એલઆરડીનું અંતિમ પરિણામ ૨૦ ઓગસ્ટે જાહેર થવાની પ્રબળ શક્યતા

એલઆરડીનું પરિણામ જાહેર થયા બાદ વેરિફિકેશનને લઈને મૂંઝવણ : એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા એલઆરડીની પરીક્ષાને લઈને અનેક સ્પષ્ટતા કરવામાં આવી, ગેરરીતિ કરતા ઝડપાયેલાઓ સામે પગલાં લેવાશે

ગાંધીનગર,તા.૨૯ : મંગળવારે એલઆરડીનું પરિણામ જાહેર થયા પછી પણ વેરિફિકેશનને લઈને ઉમેદવારોના મનમાં કેટલીક મૂઝવણ છે જેને લઈને એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે તેમણે ક્યાં સુધીમાં અંતિમ પરિણામ જાહેર કરાશે તે અંગેની સંભવિત તારીખ પણ આપી દીધી છે. આ તારીખ પ્રમાણે હવે ઉમેદવારોએ વધુ રાહ જોવી પડશે નહીં. તેમણે ગેરરીતિ કરતા પકડાયેલા ઉમેદવારો પર કેવા પગલા ભરાયા તે અંગે પણ વિગતે જણાવ્યું છે. નોંધનીય છે કે, એલઆરડીની લેખિત અને શારીરિક કસોટી બાદ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ ૧૦,૪૫૯ જગ્યાની સામે ૨૦,૮૩૬ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હસમુખ પટેલે અંતિમ પરિણામ પહેલા પીએસઆઈનું પરિણામ ક્યારે જાહેર થાય છે તેના પર પણ નિર્ભર રહેશે.

વિદ્યાર્થીનો પસંદગી ક્રમ માગવામાં આવશે અને તેના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજ ચકાસણી જે તે કેટગરીની જગ્યા પ્રમાણે પસંદગી યાદી બહાર પાડવામાં આવશે અને તેના આધારે પરિણામની જાહેરાત કરવામાં આવશે. હસમુખ પટેલે કહ્યું કે, ઘણાં ઉમેદવારોના મનમાં પ્રશ્ન છે કે મારું હાલ એસઆરપીમાં થયું છે, આર્મમાં થયું છે કે અનાર્મમાં થયું છે, ત્યારે ઉમેદવારોને મારે એ કહેવાનું કે તમે ક્યાં જવા માગો છો તેનો પસંગી ક્રમ તમારી પાસે દસ્તાવેજ ચકાસણી વખતે લેવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, આ પસંદગી યાદી પછી ઉમેદવારોને માલુમ પડશે કે તેમની કયા ક્ષેત્રમાં પસંદગી કરવામાં આવી છે.

લેખિત પરીક્ષા વખતે જે ઉમેદાવરો ગેરરીતિમાં સામેલ હતા એમની સુનાવણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જે ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં ત્રણ વર્ષ ગેરલાયક ઠેરવવા અંગેની દરખાસ્ત સરકારને કરવાનો બોર્ડે નિર્ણય કર્યો છે. આ ૧૪ ઉમેદવારો કે જેઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે તેમની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. આ સિવાય જે ઉમેદવારો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પકડાયા હતા તેમનું લેખિત પરીક્ષાનું પરિણામ જ જાહેર કરવામાં આવ્યું નથી, માટે તેઓ ભરતી પ્રક્રિયામાંથી જેતે સમયે જ નીકળી ગયા હતા. ભરતીમાં જોડાયેલા ઉમેદવારોનું અંતિમ પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, અમારું આખરી પરીણામ જાહેર કરવાનું હાલનું આયોજન ૨૦ ઓગસ્ટનું છે, પરંતુ તેનો આધાર પીએસઆઈનું પરિણામ ક્યારે આવે છે તેના પર રહેશે.

(8:03 pm IST)