Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા વિસ્‍તારોમાં ‘નો પાર્કિંગ ઝોન' જાહેર .

19 કિલોમીટરનાં રૂટ પર નીકળશે 145મી રથયાત્રા: જાણો ક્યાં રોડ રસ્તા પર વાહનોની અવરજવર રહેશે બંધ :દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા :પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ-રીક્ષાનું આયોજન

અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથની 145મી રથયાત્રાને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઇ છે. રાજ્ય પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. એવામાં પહેલી જુલાઈનાં રોજ અમદાવાદમાં નિકળનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. વાહનચાલકોને અને લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે વાહનોનાં ખાસ પાર્કિંગની વ્યવસ્થા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે રથયાત્રાનાં દિવસે કયા-કયા રૂટ બંધ રહેશે.

સવારના 7 વાગે  રથયાત્રામાં જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા,  કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર,  શાહપુર  રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે. એવામાં આ રૂટ પર વાહનોની અવરજવર રથયાત્રાનાં સમયગાળા માટે બંધ રાખવામાં આવે છે. જે રૂટને બદલે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' પણ જાહેર કરવામાં આવ્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.

તો બીજી બાજુ રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે..

બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ અને રખિયાલ થઈને સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ-રીક્ષાનું આયોજન કરાયું છે.

4 ઈ-રીક્ષા પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબિનથી કાલુપુર જશે.

4 ઈ-રીક્ષા કાલુપુર રેલવે સ્ટેશને રાખવામાં આવશે.

BRTSમાં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે.

નારોલથી ગીતામંદિર થઈને કાલુપુરનો રૂટ ચાલુ રહેશે.

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે જ્યારે RTO તરફથી આવતા મુસાફરો  સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ મુસાફરોને અડચણ ન પડે.

(12:10 am IST)