Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમદાવાદ સિવિલના તબીબોએ રાજસ્થાનના 16 વર્ષીય ભરતને ગરદનની પીડાથી મુક્ત કર્યો

ગરદનના ભાગના પ્રથમ બે મણકા (C-1:C-2) ખસી ગયા હતા :સ્પાઇન સર્જનોએ ફરી એક વખત તબીબી કૌશલતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ ફરી એક વખત તબીબી કૌશલતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.16 વર્ષીય ભરતને લાંબા સમયની ગરદનની પીડાથી મૂક્ત કર્યા છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે, રાજસ્થાનના પાલી જીલ્લામાં રહેતા ભરતને ગળાના ભાગમાં ગંભીર ઇજા થતા તેને હલન-ચલનમાં તકલીફ થવા લાગી. લાંબા સમયથી હેરાનગતિ ભોગવતા ભરતના પરિવારજનોએ જોધપુરની ખાનગી હોસ્પિટલ,સરકારી હોસ્પિટલમાં નિદાન અર્થે સંપર્ક સાધ્યો. પરંતુ દરેક જગ્યાએ નિશાશા સાંપડી. વિવિધ હોસ્પિટલમાં નિદાન કરાવવા છતા પણ તેની પીડામાં ક્યાંય સુધારો જોવા મળ્યો નહીં. વળી રાજસ્થાનમાં મણકાના તબીબને છેલ્લે બતાવ્યું ત્યારે તેઓએ 8 થી 10 લાખની ગળાના મણકાની સર્જરીનું સૂચન કર્યું.પરંતુ તેમાં પણ સંપૂર્ણપણે સાજા થઇ જવાની કોઇપણ પ્રકારની ગેરંટી તો નહીં .

ભરત જેવા ગરીબ પરિવાર માટે 8 થી 10 લાખના ખર્ચે સર્જરી કરાવવું અશકય બની રહ્યું હતુ. જેથી તેઓને જીવન અને દર્દભર્યા જીવન વચ્ચે પીડા ભોગવવાનું પસંદ કરીને જીવન ગાળવાનું શરૂ કર્યું. પરંતુ દિવસે ને દિવસે ભરતની પીડામાં વધારો થતો ગયો. છેલ્લે તેમના એક મિત્રએ ગુજરાત સરકારની સરકારી હોસ્પિટલ અને તેમાં પણ ખાસ કરીને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં આવી સર્જરી વિનામૂલ્યે શક્ય હોવાનું જણાવ્યું.

ભરતના પરિવારજનો વિનાવિલંબે ભરતને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા. અહીં તેઓએ સ્પાઇન સર્જરી વિભાગના તબીબોનો સંપર્ક કર્યો. જ્યાં તબીબોએ રોગની ગંભીરતા પારખીને એક્સ-રે, સી.ટી.સ્કેન અને એમ.આર.આઇ.જેવા રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટસના આધારે સિનિયર તબીબ સહિત તમામે ભરતના રોગની ગંભીરતા અને જટીલતાનું અનુમાન લગાવ્યું.

રીપોર્ટસના આધારે ભરતના ગરદનનો પહેલો અને બીજા મણકો ખસી ગયેલ હોવાનું જણાઇ આવ્યું. જેને તબીબી ભાષામાંએટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશનકહેવામાં આવે છે. પ્રકારની ઇજાની સર્જરી ખરેખર ખૂબ જટીલ હોય છે. કારણ કે આવા પ્રકારની સર્જરી દરમિયાન કરોડરજ્જૂના ભાગમાં પણ ઇજા થવાની સંભાવના રહેલી હોય છે. આવા પ્રકારની સર્જરીમાં તબીબોના સંયુક્ત પ્રયાસે સર્જરી સફળ બને છે. જે માટે સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમે સ્પાઇન ફેલો ડૉ. સાગર, ડૉ. હર્ષિલ અને એનેસ્થેસિયા વિભાગ સહયોગથી સમગ્ર સર્જરી નિપૂણતાપૂર્વક પાર પાડી. સમગ્ર સર્જરી 2 કલાક ચાલી હતી.

સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે,ગરદાનના મણકો મગજના ભાગ સુધી પહોંચ્યો હતો. જેના કારણે સર્જરી અતિગંભીર બની રહી હતી. સ્તરે સર્જરી દરમિયાન જીવનું જોખમ પણ વધી ગયુ હતુ. જેથી ન્યુરોમોનીટરીંગ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હાલ ભરતભાઇ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના ગરદનના મણકા પૂર્વવત થયા છે. તેઓ પહેલાની જેમ સરળતાથી હલન-ચલન કરવા સક્ષમ થયા છે.

સિવિલ હોસ્પિટલ સ્પાઇન વિભાગના વડા અને સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરીથી લઇ અન્ય વિભાગોમાં રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. અમારા તબીબો દ્વારા તમામ દર્દીઓને સંપૂર્ણપણે સંતોષકારક સારવારનો અનુભવ થાય શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ આજે રાજ્ય બહારથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ભરતના પરિવારજનોએ સર્જરી બાદ ભરતને સાજા થતા જોઇ હર્ષની લાગણી અનુભવી હતી. તેઓએ હર્ષભેર અને અશ્રુભરી લાગણીઓથી ગુજરાત રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ગુજરાત રાજ્યમાં ઉપલબ્ધ થયેલ સ્વાસ્થ્ય સારવાર અને સહકાર બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ આભાર વ્યક્ત કરી સંતોષભાવ પ્રગટ કર્યો હતો.

(10:40 pm IST)