Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગુજરાત ATSને મળી મોટી સફળતા

૧૭૫ કરોડનાં હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો

મુખ્ય આરોપી કચ્છનો નિવાસી

નવી દિલ્હી, તા.૨૯: કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા ૧૭૫ કરોડનાં હેરોઇન કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ સાહિદ દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૭૫ કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપીનું મુખ્ય કામ હતું કે, પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર દ્યુસાડવું. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે.

જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો અને ઝડપાયો ત્યારે પોલીસને પોતે સાહિદ નથી તેની અનેક સમજાવટ પણ કરી હતી. પરંતુ અંતે તેણે પોતાની કસ્ટડી ગુજરાત એટીએસને આપી દીધી હતી. નોંધનીય છે કે, ગત જાન્યુઆરીમાં મધરાત્રે એક વાગ્યાના અરસામાં જખૌથી આશરે ૪૪૦ કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુકત ઓપરેશન કરીને બોટને દ્યેરી લીધી હતી. તેમજ બોટનો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ મથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા ૩૫ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૧૭૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

(3:25 pm IST)