Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જમીન અને દરીયાના તાપમાનમાં (પ્રેસર ગ્રેડીયન) તફાવતના લીધે પવનનું જોર વધ્યું

ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસુ સક્રિયઃ સૌરાષ્ટ્રમાં સપોર્ટીંગ સિસ્ટમ્સ નથી

હાલ ૪-૫ દિવસ કયાંક-કયાંક છુટોછવાયો હળવાથી મધ્યમ વરસી જાયઃ બંગાળની ખાડીમાં એકાદ-બે દિવસમાં સિસ્ટમ્સ બનશે જેની અસરથી ૪ ઓગષ્ટ બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી મેઘરાજાનું જોર વધશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ તા.૨૯, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનું જોર ધીમુ પડયું છે. વરસાદી માહોલ જેવુ વાતાવરણ બને છે પરંતુ મનમુકીને વરસતા નથી. સામાન્ય ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. દરમિયાન હાલ તો કોઇ સિસ્ટમ્સ સક્રિય નથી. ૪ ઓગષ્ટ બાદ મેઘરાજાનો રાઉન્ડ આવશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે હાલમાં કોઇ ભારે વરસાદની શકયતા નથી. કોઇ સપોર્ટીંગ સિસ્ટમ્સ નથી. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં સક્રિય છે.

એકાદ બે દિવસમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બનશે ત્યારબાદ પશ્ચિમ ભારતમાં ચોમાસુ સક્રિય બનશે. આ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ૪ ઓગષ્ટ આસપાસ ફરી વરસાદી માહોલ જામે તેવી શકયતા છે.

હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. પવનનું જોર પણ વધુ છે. તાજેતરમાં પડેલા વરસાદથી જમીન અને દરિયાના તાપમાનમાં તફાવત આવતો હોય છે જેને પ્રેસર ગ્રેડીયન કહેવાય જેની અસરના કારણે હાલમાં જોરદાર પવનો ફુંકાઇ રહયા છે.

(12:05 pm IST)