Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

બાયોડીઝલ ઉત્પાદકોએ સઘળી માહિતી સરકારને આપવી ફરજિયાત : સીધા છૂટક વેંચાણને બ્રેક

બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થના અનઅધિકૃત વેંચાણ સામે સરકારની લાલ આંખ : પુરવઠા સંયુકત સચિવ તુષાર ધોળકિયાનો પરિપત્ર

રાજકોટ,તા. ૨૯ : રાજ્ય સરકારે બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પદાર્થના અનઅધિકૃત વેંચાણ પર નિયંત્રણ મુકતા પગલાં જાહેર કર્યા છે. ગઇ કાલે તા. ૨૮ના રોજ નાગરિક પુરવઠા વિભાગના સંયુકત સચિવ શ્રી તુષાર એન. ધોળકિયા (આઇ.એ.એસ)ની સહીથી બહાર પાડવામાં આવેલ. વિગતવાર પરિપત્રમાં માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે. તે મુજબ અધિકૃત બાયોડીઝલ (બી-૧૦૦)ના ઉત્પાદકોએ તેમના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણના જથ્થાની સઘળી વિગતો નિયમિત રીતે સરકારને મોકલવાની રહેશે. હાલ બાયોડીઝલ (બી-૧૦૦)ના સીધા છૂટક વેંચાણને બ્રેક લગાવવવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, કોઇ વ્યકિત/ સંસ્થા, ઇત્યાદી શુધ્ધ બાયોડીઝલ (બી-૧૦૦)નું ઉત્પાદન કરવા ઇચ્છે તો તે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી તથા અન્ય વૈધાનિક મંજૂરીઓ લઇ બાયોડીઝલ (બી-૧૦૦)નું ઉત્પાદન કરી શકે છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, માત્ર સ્વદેશી બાયોડીઝલનું વેચાણ જ અધિકૃત કરવામાં આવેલ છે.

અધિકૃત બાયોડીઝલ (બી-૧૦૦)ના ઉત્પાદકો તેમના દ્વારા ઉત્પાદિત બાયોડીઝલ (બી-૧૦૦)નું વેચાણ End Users જેવા કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલ સાથે બ્લેડીંગ માટે કરી શકશે વધુમાં ઔદ્યોગિક વપરાશકર્તાઓને બાયોડીઝલ (બી -૧૦૦)નું વેચાણ કરી શકશે.આવા અધિકૃત ઉત્પાદકોને તેમના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણના જથ્થાની તમામ વિગતો નિયમિત ધોરણે નિયામક અન્ન અને નાગરિક પુરવઠાને મોકલી આપવાની રહેશે. આવા ઉત્પાદકો શુધ્ધ બાયોડીઝલ (બી-૧૦૦)નું જ નિયમોનુસાર ઉત્પાદન કરી રહ્યા છે.

રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતી અનુસાર બાયોડીઝલના વેચાણ અંગે યોગ્ય લાગે તેવી શકતો લાગુ કરવાની સત્તા રાજ્ય સરકારને મળેલ હોય તથા રાજ્યમાં બાયોડીઝલના છૂટક વેચાણ માટેની માર્ગદર્શિકાના અમલીકરણ અંગેની બાબત ભારત સરકાર સાથે ચર્ચા-વિચારણા હેઠળ હોય, રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઇ સૂચનાઓ આપવામાં ના આવે ત્યાં સુધી, હાલ બાયોડીઝલ (બી-૧૦૦)ના રિટેઇલ આઉલેટ મારફત સીધા છૂટક વેચાણની મંજૂર આપવાની બાબતને, જાહેર હિતમાં હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવે છે. તેમ પરિપત્રમાં જણાવાયું છે. 

(2:59 pm IST)