Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરતમાં કાપોદ્રા પોલીસે મકાઈની આડમાં લવાતો 2300થી વધુ બોટલનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી વધુ તજવીજ હાથ ધરી

સુરત, : કાપોદ્રા પોલીસે મંગળવારે રાત્રે હીરાબાગ સુંદરબાગ સોસાયટી સરકારી સ્કૂલ પાસેથી દારૂની 2300 થી વધુ બોટલ સાથેનો ટેમ્પો લઈ જતા વરાછાની સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા રત્નકલાકારને ઝડપી લીધો હતો. રત્નકલાકાર લોકડાઉનમાં દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો અને ત્યાર બાદ તેણે બે ભાગીદારો સાથે સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યું હતું. એએસઆઈ નરેશભાઈ, યશપાલસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગતરાત્રે 9.30 ના અરસામાં હીરાબાગ સુંદરબાગ સોસાયટી સરકારી સ્કૂલ પાસેથી ટેમ્પો ( નં.જીજે-13-એટી-3110 ) ને અટકાવી જડતી લેતા તેમાંથી રૂ.1,97,280 ની મત્તાની 2304 નંગ દારૂની બોટલ અને ટીન મળ્યા હતા. પોલીસે ટેમ્પો લઈ જતા જીગર સુધીરભાઈ સાવલીયા ( ઉ.વ.26, રહે.મકાન નં.10, સૌરાષ્ટ્ર સોસાયટી, અશ્વનીકુમાર રોડ, સુરત. મૂળ રહે.મુરલીધર નિવાસ, જેસંગપરા, મોટા બસ સ્ટેન્ડની સામે, અમરેલી ) ને ઝડપી પાડી રૂ.1.50 લાખની મત્તાનો ટેમ્પો, એક મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.3,57,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે રત્નકલાકાર તરીકે કામ કરતા જીગરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે લોકડાઉનમાં કાપોદ્રા પોલીસના હાથે દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો. ત્યાર બાદ તેણે અમરોલીના સૂરજ ઉર્ફે કાલુ શાહુ તેમજ સિદ્ધાર્થ સાથે મળી ભાગીદારીમાં સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યું હતું. અમરોલી આવાસમાં રહેતો ટેમ્પો ડ્રાઈવર રવિ સૂરજ ઉર્ફે કાલુ સાથે સેલવાસ ગયો હતો અને ત્યાં અમિત પાસે દારૂ ટેમ્પોમાં ભરાવી મકાઈના ડોડાની ગુણોની આડમાં તેઓ પહેલા પાસોદરા આવ્યા હતા. ત્યાં અવાવરું જગ્યાએ ટેમ્પો સંતાડી બાદમાં રવિ ટેમ્પો સુંદરબાગ સોસાયટીમાં મૂકી ગયો હતો. જીગર ત્યાંથી ટેમ્પો અમરોલીમાં સૂરજ ઉર્ફે કાલુને આપવા જતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી અમિત, રવિ, સૂરજ ઉર્ફે કાલુ અને સિદ્ધાર્થને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:32 pm IST)