Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં વિપક્ષો દ્વારા સામન્ય સભાનો નવતર પ્રયોગ

વિપક્ષની દાણાપીઠ કચેરીમાં સભા યોજવાની વાત કાને ન ધરતા વિપક્ષો એ કોર્પોરેશન કચેરીના મેદાનમાં સામન્ય સભા યોજી વોરોધ નોંધાવ્યો : રેગ્યુલર ઓનલાઇન બેઠકમાં પૂર્વ મેયર પ્રફુલ બારોટનો શ્રધ્ધાંજલિ અર્પણ શોક ઠરાવ પસાર કરાય બાદ સભાની કર્યાવાહી હાથ ધરાય હતી

અમદાવાદઃ કોરોનાના મહામારીના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ગણ્યાંગાંઠયા અધિકારીઓને બાદ કરતાં મોટાભાગના અધિકારીઓ દાણાપીઠ કચેરીના બદલે અન્ય સ્થળે આવેલી કચેરીઓમાં બેસે છે.  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા દાણાપીઠ ખાતે યોજવાની વિરોધ પક્ષ કોંગ્રેસની માંગને સત્તાધારી પક્ષ ભાજપ દ્રારા કાને ધરવામાં આવી ન હતી અને આજે ઓનલાઇન સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. જેનો કોંગ્રેસે વિરોધ નોંધાવવા કોર્પોરેશનના પ્રાંગણમાં સમાંતર સામાન્ય સભા યોજી હતી. આમ આજે કવચિત કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત બે સામાન્ય સભા યોજાઇ હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર શ્રીમતિ બિજલબેન પટેલની અધ્યક્ષતામાં ઉસ્માનપુરા સ્થિત કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની કચેરી ખાતેથી ઓનલાઇન સામાન્ય સભા યોજાઇ હતી. આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા સહિત કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાગ લીધો ન હતો. જેથી વિનાવિધ્ને કે હોબાળા વિના આ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ હતી. આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા 55 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટી, ટાઉન પ્લાનિંગ, એ.એમ.ટી.એસ. ઉપરાંત ગેરહાજર રહેનારા ચાર કાઉન્સિલર કામોનો સમાવેશ થાય છે.

આ અંગે ભાજપ પક્ષના મ્યુનિ.ના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે આજે મળેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટનો શોક ઠરાવ રજૂ કરીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વખતે કોંગ્રેસના સભ્યોએ બહિષ્કાર કરીને પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટના શ્રધ્ધાંજિલ આપવાથી દૂર રહ્યાં તે બાબત દુખદ છે. સામાન્ય સભા પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવાના બદલે સામાન્ય સભાથી પણ દૂર રહીને કોંગ્રેસે શહેરની કુસેવા કરી છે. અને પોતાનો રાજકીય ઇરાદો જાહેર કર્યો છે. આજની સભામાં શહેરના વિકાસના કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસનું એ.એમ.સી.ના પ્રાંગણમાં સમાંતર અનોખી રીતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહેરામપુર મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને ડમી મેયર બનાવાયા હતા. જયારે કમિશનર તરીકે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા ડેપ્યુટી મેયર સુરેન્દ્ર બક્ષીને બનાવાયા હતા. જેમાં પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટને શ્રધ્ધાંજલિ અર્પતો ઠરાવ કરવામાં આવ્યો હતો અને બે મિનિટનું મૈન પાળવામાં આવ્યું હતું. તેની સાથે પ્રજાના પ્રશ્નો ઉપરાંત કોરોનાની મહામારીમાં પ્રજાને પડેલી હાલાકીની ચર્ચા કરવામાં આવી હતી.

ભ્રષ્ટ્રાચારને ઢાંકવા સભા બોલાવી નથી : દિનેશ શર્મા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં શહેરની જનતા પિસાઇ રહી છે. તેમને સમયસર સારવાર કે ટેસ્ટ થાય તે માટે ભાજપ તરફથી કોઇપણ જાતની આયોજન કર્યું નથી. પ્રજા હેરાન થાય છે, નિર્દોષ લોકો મુત્યુ થયા હતા. આ ઉપરાંત શહેરની સુખાકારીના પ્રશ્નોની રોડ રસ્તા, સ્વચ્છતા, ઉભરાતી ગટરો, ગેરકાયદે બાંધકામ કે પછી દબાણ કે પછી હોસ્પિટલમાં મત્યુ પામેલા દર્દીના પરિવારજનોને ન્યાયનો મુદ્દે ચર્ચા કરવા માટે બોર્ડની બેઠક બોલાવવા મેયરને એક મહિના પહેલાં રજૂઆત કરી હતી. પરંતુ કોરોનાના બહાના હેઠળ મેયર તરફથી ઓનલાઇન બેઠક યોજી છે. માત્રને માત્ર ઓનલાઇન બેઠક યોજીને ખાનાપુરી કરીને ભ્રષ્ટ્રાચાર કરવામા આવી રહ્યો છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં બનેલાં રોડ તૂટયાં નહીં હોવાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટના નિવેદનને પડકાર ફેંકતાં તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં શહેરમાં બનેલા રોડની યાદી જાહેર કરે, આ યાદી મુજબ તેઓ સાથે હું, મ્યુનિ. કમિશ્નર શહેરમાં ફરીએ અને જોઇએ કેટલાં રોડ તૂટયાં છે. માત્રને માત્ર કોન્ટ્રાકટરને બચાવવા માટે તેઓ આવી વાત કરી રહ્યાં છે.

આખરે કૉંગ્રેસ પક્ષે સમાંતર સામાન્ય સભા યોજી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આજે વીડીઓ કોન્ફરન્સથી યોજાયેલી બોર્ડની બેઠક સામે કૉંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ ગયા મહિને 28 જુલાઈના રોજ આજની સામાન્ય સભા કેન્દ્ર સરકારની કોવિડ-૧૯ની ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક ધારણ કરી થાય તે રીતે બોલાવવા મેયરને રજૂઆત કરી હતી. ત્યાં સુધી કે બન્ને રાજકીય પક્ષના કાઉન્સિલરો અને અધિકારીઓ સહિત ૫૦થી ઓછી સંખ્યા સામાન્ય સભામાં હાજર રહી બેઠક બોલાવવાની માંગણી કરી હતી. પણ આ માંગણી ન સ્વીકારાતા કૉંગ્રેસ પક્ષ દ્રારા આજે સમાંતર બોર્ડ મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી, દાણાપીઠ ખાતે સવારે 11 કલાકે ચલાવી પ્રજાનાં વિવિધ પ્રશ્નો અસરકારક રીતે તંત્ર સમક્ષ રજૂ કરશે. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું હતું.

(9:38 pm IST)