Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો : યકૃતમાં બલૂન આકારની વિશાળકાય ગાંઠ સાથે જન્મેલ બાળકને પીડામુક્ત કરાવતો સિવિલ બાળરોગ સર્જરી વિભાગ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા હતી - અફરોઝ આલમ

અમદાવાદ : ૭૪ માં સ્વાતંત્રય પર્વના દિવસે અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા  અમિના ખાતુનના ત્યાં એક ખરા લડવૈયાનો જન્મ થયો…

સંપૂર્ણપણે સ્વસ્થ જન્મેલ બાળકને યકૃતમાં કંઇક તકલીફ હોવાના કારણે તેનું સ્તનપાન કરી શકવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. પ્રિન્ટિંગ ઉદ્યોગમાં કામ કરીને રોજગારી રળતા આ બાળકના પિતા અફરોઝ આલમનું સમગ્ર પરિવાર ચિંતામય બની ગયું. ખાનગી હોસ્પિટલમાં બાળકની તકલીફના નિદાન અર્થે જતા ત્યાં એન્ટિનેટલ સ્કેનમાં યકૃતના ભાગમાં વિશાળકાય ફોલ્લો હોવાનું જણાઇ આવ્યું.
 જેની સર્જરી અતિ ખર્ચાળ હોવાથી આ ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. છેલ્લે તેઓને સિવિલ હોસ્પિટલના દ્વાર ખટખટાવીને આશાનું કિરણ જાગશે તેવી પ્રતિત થઇ અને તેઓ બાળકને લઇને સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.         
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા  સોનોગ્રાફી અને પાછળથી સીટી સ્કેન કરવામાં આવતા  10*9*8 (૭૨૦ ઘન સે.મી.) ના કદની ગાંઠ  હોવાનું જણાઇ આવ્યું. ત્રણ દિવસના નવજાત શિશુમાં ગંભીરતા વચ્ચે તેની સર્જરી કરવામાં ન આવે તો બાળકને ચયાપચનની ક્રિયાઓમાં તકલીફ પડવાની સંભાવના રહેતી હોય છે. યકૃતની સાથે, પિતાશય, હોજરી, આંતરડા પર દબાણ ઉદભવતા લાંબા સમયે કેન્સરની ગાંઠમાં પરિણમવાની શક્યતાઓ પણ પ્રબળ રહેલી હોય છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા નવજાત શિશુની શસ્ત્રક્રિયા કરીને આ ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડો.રાકેશ જોશી અને તેમની ટીમ , એનેસ્થેસિયા વિભાગના એસોસીએટ પ્રોફેસર ડૉ. શકુંતલા ગોસ્વામી અને તેમની ટીમ ડૉ. ચિરાગ પટેલ (સહાયક પ્રોફેસર)ના સહીયારા પ્રયાસથી યકૃત સાથે જોડાયેલી ગાંઠને અન્ય ભાગને નુકસાન ન થાય તે રીતે કાઢવામાં આવી. આ ગાંઠને કાઢવામાં આવતા તેનું કદ તબીબોને પણ આશ્ચ્રય પમાડે તેવું હતું. સામાન્ય રીતે યકૃતમાં નાના કદની ગાંઠ જોવા મળતી હોય જેમાં ઓપરેશનની જરૂર પડતી નથી પરંતુ આ ગાંઠનું કદ જોતા અને બાળકની ઉંમર જોતા તેનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી બની રહ્યું, જેમાં આખરે સફળતા મળી.
આ સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે યકૃત ઉપર વિશાળકાય ગાંઠ હતી. જે સ્પષ્ટ રીતે પ્રવાહી ધરાવતા તમામ ઉપલા પેટમાં વિસ્તરી રહી હતી. ગાંઠ અને ગાંઠના આસપાસની તમામ મહત્વપૂર્ણ રચનાઓને ઇજા ન પહોંચે તે રીતે કાળજી રાખીને આ સર્જરી કરવી પડે તેમ હતી. કારણ કે નવજાત શિશુમાં આવી સર્જરી દરમિયાન બિલીયરીમાં પણ નુકસાન પહોંચવાની સંભાવના રહેતી હોય છે. ઉપરાંત જો યકૃતમાંથી રક્તસ્ત્રાવ શરૂ થાય તો તેને રોકવું ખૂબ મુશ્કેલ બની રહે છે. આ તમામ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે બાળકનું અતિ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક થયું . બાળક સહજતાથી તમામ પીડા સહન કરીને આ લડતમાં વિજય મેળવી પીડામુક્ત બન્યું અને તે ખરા અર્થમાં એક લડવૈયો સાબિત થયો.
આ સર્જરી બાદ બાળકનું સ્તનપાન શરૂ કરાવવામાં આવ્યુ છે અને બાળક હાલ સરળતાથી સ્તનપાન કરી શકે છે.
બાળકના પિતા અફરોઝ આલમ કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મેં વિશ્વાસ જ નહીં પરંતુ શ્રધ્ધા રાખીને મારા બાળકની સર્જરી કરાવવાનું નક્કી કર્યુ હતુ. અને મારી શ્રધ્ધા અતૂટ રહી અને મને ખરા અર્થમાં ફળી. આજે મારુ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફરી રહ્યુ છે, જેની અમારા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છે જે માટે અમે સિવિલ હોસ્પિટલ અને સરકારશ્રીના અનહદ આભારી છીએ.

આલેખનઃ અમિતસિંહ ચૌહાણ

(11:39 pm IST)